________________
પ્રકાશકીય નિવેદન ગૃહિણી શ્રાવિકા ડૉ. રશ્મિ ભેદાના પીએચ.ડી.ના મહાનિબંધ “મોક્ષપ્રાપ્તિનો માર્ગ : યોગ'નું ગ્રંથરૂપે પ્રકાશન કરતાં આ સંસ્થા ગર્વ અનુભવે છે.
આ વિષયના વિશાળ ફલકને આ ગ્રંથમાં અભ્યાસપૂર્ણ રીતે સમાવી લેવામાં આવ્યું છે.
વ્યવસાયી પ્રકાશન સંસ્થાઓ આવા જ્ઞાનસમૃદ્ધ ગ્રંથોનું પ્રકાશન ન કરે એ સ્વાભાવિક છે, કારણ કે એમના વેપાર માટે આ ખોટનું કામ છે, પરંતુ વર્ષોના પરિશીલન અને પુરુષાર્થથી તૈયાર કરેલા આવા જ્ઞાનગ્રંથો માત્ર યુનિવર્સિટીના ગ્રંથાલયમાં જ પડ્યા રહે અને જિજ્ઞાસુ જગતને એનું દર્શન અને અધ્યયન કરવાની તક ન મળે એ જ્ઞાનની આશાતના છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ આવા અભ્યાસગ્રંથનું પ્રકાશન કરવું એ એમની ફરજ છે. આવાં શુભ કાર્યોથી આવી સંસ્થા પોતાની કર્તવ્યનિષ્ઠાનો આનંદ પ્રાપ્ત કરી શકે છે.
આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ કરૂણાનાં અનેક કાર્યોની સાથોસાથ બૌદ્ધિક અને વૈચારિક રચનાત્મક કાર્યોમાં પણ પ્રવૃત્ત છે. “પ્રબુદ્ધ જીવન”, “પર્યુષણ વ્યાખ્યાનમાળા’ અને પુસ્તક પ્રકાશન એનું પ્રમાણ છે. આ સંસ્થાની આવી અનેક પ્રવૃત્તિઓને જૈન તેમજ ઇતર સમાજે આવકારી અને વધાવી પણ છે.
આ સંસ્થાના દીપચંદ ત્રિભોવનદાસ શાહ પુસ્તક પ્રકાશન નિધિ દ્વારા આ ગ્રંથ સરસ્વતી જિજ્ઞાસુઓના હસ્તકમળમાં મૂકતાં અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.
આશા છે કે જ્ઞાનજિજ્ઞાસુ જગત અમારા આ શારદાકર્મને આવકારશે અને અનુમોદના કરી જ્ઞાનલાભની પ્રાપ્તિ કરશે.
ૐ અર્હમ્ નમઃ |
મા શારદા નમઃ |
તા. ૨૫-૧૨-૨૦૧૧ મુંબઈ
ધનવંત શાહ મંત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
XII