________________
24
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ટૂંકમાં, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, બૃહત્ સંગ્રહણી, લઘુ ક્ષેત્રસમાસ, બૃહત્ ક્ષેત્રસમાસ વગેરે ગ્રંથોમાં દર્શાવેલ ચૌદ રાજલોક, દેવલોક, સાત નરક, તિચ્છ લોક, અઢી દ્વીપ, જંબૂઢીપ વગેરેના ચિત્રોની પરંપરા કદાચ ૧૨૦૦૧૩૦૦ વર્ષ કરતાં વધુ પ્રાચીન નથી. તેથી તેને સર્વજ્ઞપ્રણીત માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. હા, તેનો આધાર આગમિક સાહિત્ય હતું અને તે અર્થથી સર્વજ્ઞપ્રણીત હતું.
એક માન્યતા એવી છે કે મૂળ જૈન દર્શન પ્રાચીન કાળમાં નિગ્રન્થ પ્રવચન અથવા શ્રમણ પરંપરાના નામે ઓળખાતું હતું. અને તે અધ્યાત્મપ્રધાન હતું. તેથી તેમાં અધ્યાત્મની જ વાતો હતી. લૌકિક જગતનું તેમાં કોઈ મહત્ત્વ ન હતું માટે તેના મૂળ આગમોમાં તે અંગે વિશેષ ઉલ્લેખ કે ચર્ચા હતી નહિ. પ. પૂ. સમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજની માન્યતા પણ કાંઈક આવા જ પ્રકારની છે. પરંતુ અન્ય દર્શનો સાથેના વાદવિવાદમાં બ્રહ્માંડના સ્વરૂપની આવશ્યકતા જણાતા, તે વખતના મહાપુરૂષોએ પોતાની સાધના અને પ્રજ્ઞાના આધારે લોકસ્વરૂપ દર્શાવ્યું. જો કે આ માત્ર તાર્કિક દલીલ જ છે. સંશોધન કરનારે આ અને આ પ્રકારના અન્ય સર્વ પરિબળોનો વિચાર કરવો અનિવાર્ય બને છે. આ અંગે તીર્થંકર માસિકના તંત્રી શ્રીનેમિચંદજી જૈને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે “જૈન ધર્મનું દાર્શનિક પાસું યુક્તિયુક્ત છે, તથા તેનું ખંડન કોઈપણ કરી શકે તેમ નથી. તેના વિષે કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પરંતુ જ્યાં ભૂગોળ-ખગોળ અને ખાદ્ય-અખાદ્ય પદાર્થ સંબંધી પ્રશ્ન આવે છે ત્યાં અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે કારણ કે જૈન દર્શન ઉપર આ બાબતે સમયે સમયે અનેક દબાણો આવ્યા છે.”