________________
ભૂમિકા
તે સાથે પાટણનિવાસી ડૉ. જે. એમ. શાહની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર જૈન દર્શનના સંદર્ભમાં આભામંડળ અંગે તુલનાત્મક અને સંશોધનાત્મક અભ્યાસ કર્યો અને તે વિષયક પુસ્તક પણ પ્રકાશિત કર્યું. તેથી જ્યારે પણ જિજ્ઞાસુ સાધુઓ તથા વિદ્વાનો મળતા ત્યારે વિજ્ઞાન અને અન્ય વિષયોની સાથે સાથે જૈન ભૂગોળ-ખગોળ અંગે અવશ્ય ચર્ચા કરવા લાગી જતા. જ્યારે જૈન ભૂગોળ-ખગોળ અંગે હું પોતે જ અંધારામાં અટવાતો હોઉં તો તેઓને શું જવાબ આપી શકું? તે કારણથી મારે ગોળ ગોળ જવાબ આપવો પડતો. હું કહેતો કે આ અંગે અમારી વિચારણા-સંશોધન ચાલુ છે. અને જ્યારે વધુ પડતી દલીલો કરે ત્યારે મારે એમ કહેવું પડતું કે જો ભાઈ અત્યારે મારી પાસે એવું કોઈ વિશિષ્ટ જ્ઞાન કે અવધિજ્ઞાન નથી, જેથી તમારા બધા પ્રશ્નોના હું જવાબ આપી શકું. જ્યારે કોઈ એવો અવધિજ્ઞાની મળશે અને તેને સંપૂર્ણ જંબુદ્વીપ કે અઢી દ્વીપ સંબંધી જ્ઞાન થયેલ હશે તો તેને પૂછીને તને જવાબ આપીશ.
જેન ભૂગોળ-ખગોળ અંગે કેટલાક વિજ્ઞાનીઓ અને સંશોધક એવા વિદ્વાન જૈન સાધુઓનો એવો અભિપ્રાય રહ્યો છે કે જૈન ભૂગોળ-ખગોળ સર્વજ્ઞકથિત નથી. તે અંગેના આગમગ્રંથો શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ બાદની રચના છે. અને તે હિન્દુ પરંપરાના આક્રમણ સામે ટકવા માટે જે રીતે હિન્દુ પરંપરામાં બ્રહ્માંડની ઉત્પત્તિ, અસ્તિત્વ અને નાશ દર્શાવેલ