________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? દીક્ષાના પ્રથમ વર્ષે જ દીક્ષાદાતા પરમ પૂજ્ય વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબે મને બૃહત્ સંગ્રહણી અને ક્ષેત્રસમાસ જેવા ગ્રંથો ભેટ આપ્યા અને કહ્યું કે ભવિષ્યમાં આ ગ્રંથો તને સંશોધનમાં કામ લાગશે. મને લાગે છે કે તેઓશ્રીના અદૃશ્ય દિવ્ય આશીર્વાદથી આ પુસ્તકલેખન મારા હાથે થઈ રહ્યું છે. સંસ્કૃત વ્યાકરણ અને આગમિક સાહિત્યમાં દશવૈકાલિક, અનુ યોગદ્વાર સૂત્ર, નંદીસૂત્ર, આચારાંગ સૂત્ર, સુગડાંગ સૂત્ર વગેરેનો અભ્યાસ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરિજી મહારાજ પાસે કરતો હતો ત્યારે જૈન દર્શન સંબંધી ઘણા વૈજ્ઞાનિક કારણો, સંદર્ભ પ્રાપ્ત થતા. તેના આધારે વિવિધ પ્રકારના લેખો લખવાનું શરૂ કર્યું. સર્વપ્રથમ લેખ વલસાડ, અતુલ પ્રોડક્ટના ડિરેક્ટર ડૉ. વિમળાબેન સિદ્ધાર્થભાઈ કસ્તૂરભાઈ લાલભાઈ એ તપાસી પ્રોત્સાહન આપેલ. જૈન ભૂગોળ-ખગોળનો અભ્યાસ કર્યા પછી મને એવું લાગતું હતું કે જેન ભૂગોળ-ખગોળને વર્તમાન ભૂગોળ-ખગોળ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. તેથી તે અંગે સંશોધન કરવું લગભગ અશક્ય છે. વળી જૈન દર્શનનું ભૌતિકશાસ્ત્ર અર્થાત્ તત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયનો અભ્યાસ કર્યા પછી અને ઈ. સ. ૧૯૭૯માં આઇન્સ્ટાઇનના જન્મશતાબ્દિ વર્ષમાં “સ્કોપ” નામના ગુજરાતી વિજ્ઞાન માસિકમાં તેના “સાપેક્ષતા સિદ્ધાંત” અંગે અધ્યયન કર્યા પછી તેમાં મને રસ પડ્યો, તેથી ભૌતિકશાસ્ત્રનો વિષય પસંદ કર્યો. ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદના પ્રો. એચ. એફ. શાહ પાસે કર્યો.