________________
131
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
વૈક્રિય શરીરધારી જીવો અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રકારના દેવો હોવાની સંભાવના પણ છે. તેમાં નિમ્ન શક્તિવાળા અર્થાત્ વ્યંતર અને વાણવ્યંતર દેવો આપણી પૃથ્વી ઉપર પણ અસ્તિત્વ ધરાવે છે . તે જ રીતે તેમાં ઉચ્ચ કક્ષાના દેવો પણ પ્રકાશિત કે અપ્રકાશિત અવકાશી પદાર્થ અર્થાત્ ગ્રહો અથવા તારાઓ ઉપર જ્યાં અત્યંત શીતળ પદાર્થ જે તેમના અસ્તિત્વમાં સહાયક છે, ત્યાં તેવા ઉચ્ચ કક્ષાના દેવો અસ્તિત્વ ધરાવે છે.
સાંખ્યિકી પદ્ધતિનું લોકનું આ સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારના સજીવ પદાર્થો અને અજીવ પદાર્થો દ્વારા વ્યાપ્ત ક્ષેત્રના સંપૂર્ણ માપ, ક્ષેત્રફળ અને કદ પણ જણાવે છે. પરંપરાગત રીતે અત્યારે પ્રવર્તમાન ખગોળશાસ્ત્ર અને ભૂગોળ દ્વારા પ્રાપ્ત માહિતીથી જરા પણ મુંઝાવાની જરૂર નથી. કારણ કે તે માહિતી બહુ જ અલ્પ છે.
અત્યારે આપણા વિજ્ઞાનીઓ પાસે જે માહિતી છે તેના કરતાં વધુ માહિતી લોકના આ સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે. તેથી અન્ય અજ્ઞાત લાક્ષણિકતાઓ અંગે તેઓએ આગળ વધુ સંશોધન કરવું જોઈએ. તેમાં કેટલાક મહત્ત્વના વિષય નીચે પ્રમાણે છે.
જીવોના મુખ્ય ચાર પ્રકાર છે, તેમાંથી બે પ્રકારના જીવોના શરીર વૈક્રિય વર્ગણાના પરમાણુ-સમૂહમાંથી બનેલા છે. તે પ્રકારના જીવો અર્થાત્ દેવો સાથે સંપર્ક કરી શકાય તેમ છે. વૈક્રિય વર્ગણાના આ પરમાણુ સમૂહ અંગે સંશોધન કરવામાં આવે અને તેની લાક્ષણિકતાઓ જાણી લેવામાં આવે તો તેમની સાથે સંપર્ક કરવો અશક્ય નથી.