________________
130
| શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? કેટલીક પૃથ્વી એવી છે કે જ્યાંના મનુષ્યોમાં આપણી દૃષ્ટિએ કોઈ જાતનો વિકાસ થયો નથી અર્થાત્ જેને વિજ્ઞાનીઓ જંગલી અવસ્થા કહે છે. પરંતુ મારી દૃષ્ટિએ તે પ્રાકૃતિક અવસ્થામાં જ છે. કારણ કે તેને આપણે કહીએ છીએ તેવો વિકાસ કરવાની કોઈ જરૂર જ નથી. કલ્પવૃક્ષો તેઓની સઘળી આવશ્યકતા પૂર્ણ કરી આપે છે. તે કારણથી અસિ, મસિ અને કૃષિનો વિકાસ થયો નથી. આ પ્રકારની ૩૦ પૃથ્વીઓ છે. જ્યારે કેટલીક પૃથ્વીઓ ઉપર એવા મનુષ્યો છે કે જે પ્રકૃતિથી ક્રૂર અને આકારથી વિચિત્ર છે. એવું કહેવાય છે કે એ મનુષ્યોને શિંગડા અને પૂંછડા હોય છે. આ તો માત્ર કદાચ કલ્પના જ હોઈ શકે પરંતુ સ્વભાવથી તેઓ પશુ જેવા હોય છે. અને આવા મનુષ્યવાળી પૃથ્વીની સંખ્યા ૫૬ છે અને તે અન્તર્કંપ છે.
મનુષ્યક્ષેત્ર સહિત સમગ્ર તિસ્કૃલોકમાં દરેક દ્વીપ પછીનો દરેક સમુદ્ર બમણા વિસ્તારવાળો દર્શાવ્યો છે, જે રીતે જંબુદ્વીપથી લવણ સમુદ્ર બમણા વિસ્તારવાળો છે. તે એમ દર્શાવે છે કે પૃથ્વી ઉપર જમીન કરતાં સમુદ્રનો વિસ્તાર બમણો છે, તે જ રીતે સમગ્ર બ્રહ્માંડમાં પણ જમીન કરતાં સમુદ્રનો વિસ્તાર બમણો છે. ટૂંકમાં, આપણા જેવી જ અથવા આપણા કરતાં વધુ સંસ્કારી વધુ જ્ઞાની અને વધુ શક્તિશાળી માનવસભ્યતા આ બ્રહ્માંડમાં અન્યત્ર વિદ્યમાન છે. તે આપણી ગેલેક્સીમાં પણ છે અને પાડોશમાં આવેલી અન્ય ગેલેક્સીઓમાં પણ હોવાની સંભાવના છે. તેવું જૈન દર્શનમાં બતાવેલ લોકના સ્વરૂપથી જાણી શકાય છે.