________________
81
જૈન લોકના ચિત્રની સાંખ્યિકી પદ્ધતિ દ્વારા વ્યાખ્યાની
આવશ્યકતા
પ્રાચીન કાળના મહાપુરૂષોએ લોક અર્થાત્ બ્રહ્માંડમાં રહેલા વિભિન્ન પદાર્થોનું વર્ણન સાંખ્યિકી પદ્ધતિ જેને અંગ્રેજીમાં પિટોગ્રાફ કહે છે તે પદ્ધતિથી કર્યું છે. જેનું વર્ણન આગળ કર્યું છે. તેમાં તેનું કદ પણ બતાવ્યું છે. તેમાં દર્શાવેલ રજૂ અર્થાત્ રાજલોકનું માપ જો કે શાસ્ત્રકારો એ અસંખ્યાતા યોજન બતાવ્યું છે. એક યોજનના કેટલા કિલોમીટર થાય તે અંગે જૈન વિદ્વાનોમાં મતભેદ છે. તેમ છતાં ભૂમિના માપ માટે જૈન શાસ્ત્રકારોએ પ્રમાણાંગુલનો ઉપયોગ કરેલ છે. લંબાઈમાં ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ચારસો ગણું મોટું છે અને જાડાઈમાં અઢી ગણું મોટું છે અને તે રીતે કુલ ૧૦૦૦ ગણું મોટું છે. આ રીતે વિસ્તાર અર્થાત્ ક્ષેત્રફળની દૃષ્ટિએ ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ૧૦૦૦ ગણું મોટું છે તેથી ઉત્સધાંગુલથી એક યોજનના ૧૨.૮ કિલોમીટર થાય તેને ૧૦૦૦ વડે ગુણતાં પ્રમાણાંગુલથી એક ચોરસ યોજનના ૧૨૮૦૦ ચોરસ કિલોમીટર થાય. ડૉ. જીવરાજ જૈને એક યોજનના ૧૩૦૦૦ કિલોમીટર બતાવ્યા છે. તેઓએ ચોરસ શબ્દનો પ્રયોગ કર્યો નથી. આ પ્રકારના અસંખ્યાતા યોજન પ્રમાણ એક રાજલોક છે.
તેમ છતાં આજના કેટલાક વિજ્ઞાનીઓની ગણતરી પ્રમાણે એક રાજલોકના પ્રાયઃ ૧૦૦ કરોડ પ્રકાશવર્ષ હોવાનું અનુમાન છે. આ માપ પણ માત્ર અનુમાન છે, વાસ્તવિક નથી. કદાચ આના કરતાં વધુ હોઈ શકે છે.