________________
સંયમનો મહિમા ગમે તેટલું ધન બુદ્ધિથી પ્રાપ્ત કરીએ પણ દમડી સાથે આવતી નથી. માણસ જન્મે છે ત્યારે મૂઠી વાળીને આવે છે, પણ જાય છે ત્યારે ઉઘાડે હાથે જાય છે. જો કંઈ સારું કામ કરતો જાય તો પાછળ સુવાસ મૂકતો જાય છે. ગરીબ માણસોને સહાય કરતો જાય તો એને કોઈ ને કોઈ યાદ કરે છે. જગત અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. તેમાં આપણા જીવનનાં પચાસ-પંચોતેર વરસે એ તો કંઈ હિસાબમાં નથી. પણ જે માણસ જીવી જાણે છે એણે જન્મ સફળ કર્યો છે.
માણસમાં અનેક ઇંદ્રિયોનું જ્ઞાન છે. જાનવરને એક જ ઇંદ્રિયનું જ્ઞાન છે. જે પોતાની આંખમાં મેલ નથી રાખતો, કુદૃષ્ટિ નથી કરતો, જેણે સંયમ કર્યો છે એનો આત્મા છેવટે ઈશ્વરમાં ભળી જાય છે.
આજે મહાત્મા ગાંધીને સૌ નમસ્કાર કરે છે કારણ તેઓ ઇન્દ્રિયોનો સંયમ ને ધર્મનું પાલન કરી જગતને ધર્મનું પાલન કરવાનું બતાવે છે.
[ ૧૪ |
ચેતનની ઝાળ પણ તમે જાણો છો કે, હરિપુરા મહાસભાએ દેશી રાજ્યોને પોતાના પગ ઉપર ઊભા રહેવાનો આદેશ આપ્યો છે. તે પગભર થતાં શીખવાનો સિદ્ધાંત જગજાહેર છે. જેમ પડોશી મરે અને આપણે સ્વર્ગમાં ન જઈ શકીએ એવું જ સ્વતંત્રતાનું છે. સ્વતંત્રતા જો આપણે જોઈતી હોય તો આપણે આપણા પગ ઉપર ઊભા રહેવું જોઈએ.
બેવડી ગુલામી હંમેશાં કાંઈ ટકી રહેવાની નથી. એક કાળ એવો પણ હતો કે આપણી માગણીઓ હળવી હતી. આજે આપણી તાકાત વધી ચૂકી છે એ જ જીભ આજે બદલાઈ ગઈ છે અને હવે માગણીઓનું નાટક નહીં, પણ નક્કર માગણીઓ આપણે કરી રહ્યા છીએ.
આખા હિન્દમાં આજે ચેતન પ્રગટી રહ્યું છે. એ ચેતનની ઝાળ તમને પણ લાગી છે અને લાગવી જ જોઈએ. જે રીતે બ્રિટિશ હિન્દમાં એ હથિયારનો ઉપયોગ થઈ રહ્યો છે, તેમ તમે પણ તમારી સ્થિતિ સમજી લો અને એ હથિયારનો ઉપયોગ કરો.
ન ૧૫ -