________________
ન પ્રજાનો હક | રાજા ગમે તેવો હોય પણ તેને પદભ્રષ્ટ કરવા આપણે બેઠા નથી. એને પદભ્રષ્ટ કરવાનો આપણે વિચાર પણ કરતા નથી. આપણે જે માગીએ છીએ તે તો સત્તાની મર્યાદા માગીએ છીએ. ભવાઈની પાછળ, ગાનારીઓનાં નખરાં પાછળ અને વેશ્યાઓ નચાવવા પાછળ રાજા જો લખલૂંટ ખર્ચ કરે, અને ખેડૂતો ભૂખે મરે તો તેવું રાજ્ય જીવે નહીં... રાજાના એ બધા દહાડા જતા રહ્યા. દેશી રાજ્યોમાં બધે જાગૃતિ ફેલાઈ રહી છે.
સાચે જ દેશી રાજ્યના ખેડૂતો ભારે ભોળા છે. કેટલાક તો રાજાઓને ઈશ્વરનો અવતાર માને છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાજા પાપી કે ઈશ્વર પાપી ? ખરું જોતાં તો રાજા ટ્રસ્ટી છે. બાપદાદાનો હક એ ભોગવે છે એટલે જ્યારે રાજા નાલાયક થાય ત્યારે તેને પદભ્રષ્ટ કરવાનો પ્રજાને દરેક દેશમાં હક હોય છે. પણ આપણા દેશમાં જ આપણા બાપદાદાઓએ આપણને કંઈક બહુ વફાદાર બનાવ્યા. એટલે આપણે હજી રિસાઈ રહ્યા છીએ.
ન રાજાશાહીનો વિરોધ રાજ્યની સાથે લડવું ન પડે એવી રીતે કામ થતું હોય તો લડવું નહીં. જો સ્વમાન સાચવીને માગ્યું મળતું હોય તો તે મેળવવામાં હરકત નથી; હું તો પગે પણ પડું. કોઈ કારભારી સામે આપણે વાંધો નથી. આપણે હિન્દીને કાઢીને અંગ્રેજને લાવવો પણ નથી. અંગ્રેજને લાવવાનો મને શોખ નથી. કેમ કે જાણીબૂજીને અંગ્રેજને નોતરવો એ આપઘાત જ છે. કોઈ વ્યક્તિ સામે આપણી વેરવૃત્તિ નથી.
આપણી તકરાર સંસ્થા સામે છે, પ્રથા સામે છે. એનો નાશ થાય એ આપણી માગણી છે. આપણે એકહથ્થુ સત્તા ધરાવતા રાજાને એની મર્યાદા બતાવવી જોઈએ. ઠાકર અને ઠાકોર બન્ને એક જ છે. એ જ્યાં સુધી મંદિર બહાર ન નીકળે ત્યાં સુધી પૂજા કરવા લાયક છે. પણ આ તો પ્રથા જ એવી છે કે, ગમે તેવી વ્યક્તિ પણ તેમાં આપોઆપ જ બગડી જાય.