________________
ન ભૂતકાળની ભૂલ |ઇતિહાસ એ પાઠ આપણને શીખવ્યો છે કે આપણો દેશ અનેક નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયો અને બહારનાં આક્રમણોનો આપણે એકઠા મળીને સામનો ન કરી શક્યા ત્યારે હિન્દુસ્તાનમાં પરદેશી સત્તાની જમાવટ થઈ. આપણા અંદર અંદરના ઝઘડા, અદેખાઈ અને વેરઝેરને લીધે જ જે કોઈ પરદેશી આવ્યા તેની આગળ આપણે હારી ગયા છીએ. ફરી એ ભૂલ આપણે ન કરીએ અને એવી જાળમાં ન સપડાઈએ.
દેશી રાજ્યો એટલું ધ્યાનમાં રાખશે એવી મારી આશા છે કે આપણા સમાન હિતને માટે આપણે સહકાર નહીં કરીએ તો બીજો વિકલ્પ અંધાધુંધી અને અરાજકતાનો જ રહે છે. આપણા બધાના ભલાને માટે આપણે ભેગા મળીને કામ નહીં કરીએ તો નાનાં રાજ્યો અને મોટાં રાજ્યો બધાં જ વિનાશને માર્ગે ઊતરી જવાનાં છે.
| સાંખી નહીં લઉં | જુલમી રાજાને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિકાળથી સ્વીકારાયેલો છે. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે, એટલે રાજા-પ્રજાની લાયકાતમાં ઊતર્યા સિવાય આધુનિક યુગને ઓળખી તેને અનુકૂળ થવામાં જ બેઉનું હિત સમાયેલું છે.
આ રાજ્યો આપણી દારૂનિષેધની પ્રવૃત્તિથી ડરે છે. એ કેમ ડરે છે તે હું સમજતો નથી. એ રાજ્યોની સાથે લડાઈ કરવી એ હું મારે માટે નાનમ માનું છું. વાંસદાના અંગૂઠા જેવડા રાજ્યને તો એક અમારું ધારાળું બહારવટું કરીને વશ કરે. તેની સાથે લડવામાં હું મારી શક્તિ શેનો ખરચું ? મારું કામ તો બ્રિટિશ સામ્રાજ્ય સાથે લડવાનું છે. મેં મારું ક્ષેત્ર નક્કી કરી રાખેલું છે. પણ રાજ્યો યાદ રાખે કે તેમના અમલદારો પ્રજાને ત્રાસ આપશે તો તે હું એક ઘડીભર પણ સાંખી લેવાનો નથી.