________________
અસરકારક માર્ગ રાજ કીય ચળવળનો પ્રવાહ વર્ષો થયાં એક જ દિશામાં વહેતો આવ્યો છે. અનેક કારણોથી તે પ્રવાહનો જોસ વધતો ગયો છે. મહાન યુદ્ધના પરિણામે તેની ગતિમાં ભારે બળ આવ્યું છે. અસહકારનો માર્ગ ચાલતી આવેલી દિશાથી વિરુદ્ધ છે અને ભારે જોશથી ચાલતા આવેલા પ્રવાહને તે દિશામાં લઈ જવાનો મહાન પ્રશ્ન આપની સમક્ષ રજૂ થયો છે. અસહકાર એ પ્રજા અને રાજ્ય વચ્ચે નીતિ, નિયમ અને મર્યાદામાં રહીને ચલાવવાનું મહાન યુદ્ધ છે. એ યુદ્ધ માં બંનેના બળની કસોટી રહેલી છે. યુદ્ધના નિયમોનું બંને પક્ષ પરિપૂર્ણ પાલન કરે તો એમાં એકે પક્ષને ગુમાવવાનું નથી. જીતનારને તો ખોવાનું હોય જ નહીં. ખરી રીતે તો ઉભય પક્ષને એમાંથી ઘણું મેળવવાનું છે. આ મહાન લડતનાં પરિણામ જેટલાં સુંદર છે તેટલી જ તે લડત કઠણ છે.
- અસહકારમાં જોખમ | અસહકારમાં જોખમ છે, એમાં તોફાન થવાનો ભય છે, એમ આપણે સાંભળીએ છીએ. જોખમ છે એ ખરી વાત છે. સ્વતંત્રતા સહેલાઈથી દુનિયામાં કયા દેશને મળી છે ? મૂંગા બેસી રહેવામાં ઓછું જોખમ છે ? હાલની સ્થિતિમાં હાથ જોડીને બેસી રહેવામાં પ્રજાના આપઘાત સિવાય બીજું શું છે ? નસ્તર મૂક્યા સિવાય જિંદગી બચવાનો સંભવ ન હોય તો થોડુંઘણું જોખમ વેઠીને પણ નસ્તર મૂકવાની સારો દાક્તર સલાહ આપશે...
જોખમના ડરથી પ્રજાની ઉન્નતિના મહાન અખતરા કોઈને છોડી દીધા છે ખરા ? આટલું મોટું સામ્રાજ્ય બાંધનારાઓએ જોખમનો ડર રાખ્યો હોત તો આજે તેનું અસ્તિત્વ ક્યાંથી હોત ? રેલવેની તેમ જ આગબોટની મુસાફરીમાં અકસ્માતનો ભય તો છે જ, તેથી શું તેવી મુસાફરી નહીં કરવાની સલાહ કોઈ આપશે ? જોખમ ન થાય તેને માટે બને તેટલી સાવચેતી રાખવી એ ડાહ્યા માણસનું કર્તવ્ય છે.
- ૧૦ -