________________
સત્યાગ્રહ
આપણી લડત સત્યાગ્રહની છે. પ્રજામત અને આંધળો અમલ એ બેની વચ્ચે દારુણ ધર્મયુદ્ધ ચાલે છે. લડત લંબાતી જાય છે તેમ તેમ પ્રજાની કસોટી થાય છે. દુઃખ સહન કરવાનો પ્રસંગ જ ન આવ્યો હોત તો પ્રજાને ભારે લાભ મળત નહીં. હવે આપણી કસોટીનો વખત આવ્યો છે. જગત આપણી સામે જોઈ રહ્યું છે... અમલદારો હાલની ચાલતી રાજ્યપદ્ધતિમાં લાચાર છે. આવા કઠણ સંયોગોમાં સ્વાભાવિક છે કે તેઓ કોઈ વખત મર્યાદા છોડે, ક્રોધ કરે, ત્રાસ આપે, તોપણ આપણે તો મર્યાદા ન છોડવી, વિનય ન છોડવો અને એમના ઉપર દ્વેષ નહીં કરતાં તેમની દયા ખાવી અને શાંતિ પકડવી. કઠોરમાં કઠોર હૃદયને પણ પ્રેમથી વશ કરી શકાય છે. અને સામાની કઠોરતાના પ્રમાણમાં આપણો પ્રેમ તેટલો જ સબળ હોય તો જરૂર આપણે જીતી શકીએ એ સત્યાગ્રહની લડતનું રહસ્ય છે.
૩૮
ગાંધીજીની શક્તિ
હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જો ઘટતું હોય તો તે જડીબુટ્ટી આપનારને છે.
આ કળિકાળમાં પણ સૌરાષ્ટ્રમાં જગતમાં સૌથી મહાન પુરુષ પેદા થયેલ છે અને જે રાક્ષસી સંહારશક્તિની હરીફાઈથી અકળાયેલા જગતને સત્ય, શાંતિ અને પ્રેમનો નવો મંત્ર આપી રહેલ છે. એ ભૂમિમાં જન્મ લેવાનું અભિમાન કોને ન થાય ?
એ જ માર્ગે સૌરાષ્ટ્રનું એ ઈશ્વરી સંકેત છે.
અને જગતનું કલ્યાણ છે
હું જે કંઈ શીખ્યો છું, મારામાં જે કાંઈ શક્તિ છે એમ તમે માનતા હો તો જે વ્યક્તિ આજે કાઠિયાવાડને અને હિન્દુસ્તાનને દોરે છે તેની પાસેથી તે શીખ્યો છું અને તેની પાસેથી તે શક્તિ મેળવી છે.
૩૯