________________
ખેડૂતની સ્થિતિ | આપણા દેશમાં સેંકડે એંશી જણ કિસાન છે. આ દેશના કિસાનોની જેવી કંગાલ અને દુઃખદ સ્થિતિ છે એવી દુનિયાના બીજા કોઈ દેશના કિસાનોની નથી. કરોડો કિસાનોને એક ટંક પેટ ભરીને લુખોસૂકો રોટલોય નથી મળતો. ભૂખમરો અને અજ્ઞાનના બોજ તળે કચડાઈ રહેલા આ ભલાભોળા ખેડૂતોમાં અનેક જાતના વહેમ અને સામાજિક સડાએ ઘર કર્યું છે.
ચોખ્ખાઈના સામાન્ય નિયમો પાળવા જેટલી તાલીમ પણ તેમને નથી મળી. પ્લેગ, કૉલેરા, મરડો તથા મલેરિયા એ તો એમના કાયમના સાથી બની ગયા છે.
અનેક રોગોથી પીડાતા, લાખો ગામડાંઓમાં વસનારા આ કિસાનોને માટે એના ઉપચારનાં કશાં સાધનસગવડ નથી...
- ૨૯ ]
માણસાઈની કેળવણી કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે, બીજી માણસની માણસાઈ લઈ લે છે. તમે ભારે કેળવણી લો છો તેથી તમારા ગરીબ ભાઈઓને ન ભૂલશો. તેમના પરસેવાના પૈસાથી તમને કેળવણી મળે છે. તમે ગમે તેવી કેળવણી લો, પણ એવા ન બની જજો કે ગરીબ ખેડૂતોમાં તમે જાઓ તો, ખેડૂતોના બળદ જેમ મોટર જોઈને ભડકે છે તેમ ખેડૂતો તમને જોઈને ભડકીને ભાગી જાય. વિજ્ઞાનનો આટલો અભ્યાસ કરો છો તો જોજો કે તમારા વિજ્ઞાનના અભ્યાસના પરિણામે ખેડૂતો એક ડૂડાને બદલે બે ઉત્પન્ન કરતો થાય. રાષ્ટ્રીય કેળવણીનો ઉદ્દેશ ખેડૂતના છોકરાઓ બાપની વિદ્યા ભૂલી ન જાય અને પાછા ગામડામાં જઈને રહે એ છે. મારે તો ગાડું હાંકનાર, ખરપડી પકડનાર, કોશ ખેંચનાર, હળ લઈ ખેતી કરનાર જોઈએ છે.