________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મકલ્યાણના ઉજ્વળ પંથે
તીર્થંકર ભગવાન આદિનાથની પવિત્ર સ્મૃતિ ધરાવતી બડભાગી ભૂમિ પર દીક્ષા અને વડી દીક્ષાનો યોગ થયો.
૧૦,૬૫૭ જિનબિંબો અને ૯૮૦ જેટલાં જિનમંદિરો ધરાવતા શત્રુંજયમાં આ પાવન અવસર મળ્યો, તેનો સાધ્વીશ્રી શીલવતીજીને અને સાધ્વીશ્રી મૃગાવતીજીને અપાર આનંદ હતો.
પાલીતાણાથી વિહાર કરીને ઉના, અજાહરા પાર્શ્વનાથ, દીવ, દેલવાડા આદિ ગામોનાં જિનાલયનાં દર્શન કરીને પ્રભાસપાટણમાં પ્રવેશ્યાં. અહીં ભગવાન શ્રીકૃષ્ણના દેહવિલયનું પવિત્ર સ્થાન જોયું. એ સમયે ભગવાન શ્રીકૃષ્ણનું આ સ્થળ જોયું, ત્યારે સાધ્વીશ્રી મૃગાવતીજીના મનમાં અનાસક્ત યોગી શ્રીકૃષ્ણનું ચિત્ર ખડું થયું. દીક્ષાના પ્રારંભકાળે આ સ્થાન જોયું અને પછી તો જીવનપર્યત એવી સ્થિતિ ઊભી થઈ કે કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે સાધ્વીશ્રી મૃગાવતીજીને સહુ કોઈ આગ્રહપૂર્વક શ્રીકૃષ્ણના જીવનનો મર્મ જાણવા વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરવા લાગ્યા અને સાધ્વીજી નિઃસંકોચ કોઈ મંદિર કે મંડળમાં જઈને શ્રીકૃષ્ણ વિશે માર્મિક વ્યાખ્યાન આપતાં. દા.ત. તેઓ કહેતા કે, કાલિન્દી શું છે ? કાલિયાનાગ શું છે ? એની હજાર ફેણ શું છે ? દમન કરવું શું છે ? ગોપીઓ શું છે ? ચીરહરણ શું છે ? ગોપીઓ સાથે રાસ શું છે ? આ બધું રૂપક છે. કાલિયાનાગ જેવું અમારું મન છે. એની હજારો ફેણ અમારા મનની અનંત ઇચ્છાઓ છે. એક પૂરી કરો તો બીજી પેદા થાય છે, જેનો કોઈ અંત નથી. કાલિન્દીરૂપી કાયામાં રહેલા એવા કાલિયાનાગ જેવા મનને અનાસક્ત યોગી નારાયણ શ્રીકૃષ્ણ દમન કરીને એના પર વિજય પ્રાપ્ત કર્યો હતો. નવધા ભક્તિમાં રમણ કરવાવાળી ભક્ત આત્માઓરૂપી ગોપીઓના ચીરહરણનો અર્થ આત્માની ઉપર જે કર્મોનું આવરણ છે એને હટાવવાનો થાય છે. ગોપીઓની સાથે રાસ રમવાની વાત આવે છે એનો અર્થ એ છે કે ભક્ત એવા આત્માઓની સાથે પરમાત્માને રાસ, રસ, આનંદ આવે છે. જો ભગવાનની સાથે રાસ-રસ-નાદાભ્ય સંબંધ જમાવવો હોય તો પ્રભુ પ્રત્યે સાચી ભક્તિ જીવનમાં ઉતારવી જોઈએ. ભક્તિ ભક્તને ભગવાન બનાવી આપે છે. પૂ.મહારાજ શ્રી એમનો આટલો સુંદર આધ્યાત્મિક અર્થ ઘટાવતા હતા. પોતાનો અભ્યાસ વિશાળ થતાં તેઓ ‘ગીતા’નાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોના શ્લોકોની
સરખામણી ‘દશવૈકાલિક સુત્રના ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકો ‘નાં ઘરે ગયે વિટ્ટ'... વગેરે સાથે કરતાં હતાં. એક નાનું બીજ કેવું મહોરી ઊઠે છે !
એવી જ બીજી ઘટના એ બની કે પ્રભાસપાટણના શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયમાં સાધ્વી મૃગાવતીજી દર્શન કરવા માટે ગયાં. દર્શન કરવા માટે બે હાથ જોડ્યા. પ્રભુની મૂર્તિ સામે દૃષ્ટિ કરી અને પછી અંતરમાં કોઈ એવો અલૌકિક અનુભવ થયો કે જે ભાવભરતીને શબ્દબદ્ધ કરવી શક્ય નથી. એ સમયે ભક્તિની એવી અનુભૂતિ થઈ કે તેઓ જ્યારે જ્યારે પ્રભાસપાટણના શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયના દર્શનનું સ્મરણ કરતાં, ત્યારે એમના હૃદયમાં અભુત રોમાંચ અનુભવતાં અને રૂંવે રૂંવે ભક્તિનો પ્રબળ ઉદ્રક અનુભવતાં.
અહીંથી વિહાર કરીને વેરાવળ આવ્યાં અને ઈ. સ. ૧૯૩૯ (વિ. સં. ૧૯૯૫)નું પહેલું ચોમાસું એમણે માતાગુરુ સાથે કર્યું. પૂ. સાધ્વીશ્રી શીલવતીજી મહારાજે અઠ્ઠાઈ કરી, પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોષ દશમી ઉપાડી અને શાશ્વતી ઓળીની આરાધના કરી. વેરાવળના આ ચાતુર્માસમાં તેર વર્ષનાં બાળસાધ્વીશ્રી મૃગાવતીજીને એક શ્રાવિકાએ ચેતવણી આપતા હોય તે સૂરે કહ્યું કે તમે પેલા બહેનને ત્યાં ભૂલેચૂકે પણ ગોચરી અર્થે જ શો નહીં.
બાળસાધ્વી મૃગાવતીજીને સહજ જિજ્ઞાસા જાગી. એમણે પૂછ્યું, એવું તો એ બહેનમાં શું છે કે જેથી તમે મને એમને ત્યાં જવાની ના પાડો છો ?”
પેલી બહેને કહ્યું, ‘એ તો ડાકણ છે અને ભરખી જાય તેવી છે.”
બાળસાધ્વી મૃગાવતીજી આવા વહેમમાં માનતાં નહોતાં. એ વિચારતાં હતાં કે આવી રીતે એક સ્ત્રીને ડાકણ કહીને એના જીવનની હાલત કેવી બદતર કરી નાખવામાં આવે છે. આથી કોઈ એની પાસે જતું નથી અને સહુ કોઈ એને ધુત્કારે છે. એ બહેન આવ્યાં એટલે બાળસાધ્વી મૃગાવતીજી એમના ખોળામાં માથું નાખીને સૂઈ ગયાં. આ જોઈને સહુને આશ્ચર્ય થયું, અરે ! આ ડાકણના ખોળામાં સૂવાય ખરું ? પરંતુ ધીરે ધીરે સહુને સમજાયું કે આ બાળસાધ્વીએ આપણને ભ્રામક માન્યતામાંથી મુક્ત કર્યો છે. એ પછી એ સ્ત્રીને બાળસાધ્વી મૃગાવતીશ્રીજીએ એટલો બધો સ્નેહ આપ્યો કે એનું જીવન બદલાઈ ગયું અને સમાજ માં એની છબી બદલાઈ ગઈ.