________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ચાતુર્માસની શૃંખલામાં જૂનાગઢ (વિ. સં. ૧૯૯૬), પાલીતાણા (વિ. સં. ૧૯૯૭-૯૮), વીરમગામ (વિ. સં. ૧૯૯૯), રાધનપુર (વિ. સં. ૨૦OO)માં ચાતુર્માસની આત્મિક ખેતીનો આનંદ અનુભવ્યો. ચાતુર્માસ એટલે આત્માની દિવાળીનો ઉત્સવ. ચાતુર્માસ એટલે ચાર મહિના સુધી સ્થિર વાસ કરીને ધર્મઆરાધના કરવાનો અનુપમ યોગ, જ્ઞાન, ધ્યાન અને ક્રિયાના ત્રિવેણીસંગમમાં સ્નાન કરીને પવિત્ર થવાનો અવસર. આ ચાતુર્માસમાં એવું વાવેતર થાય કે જે આત્માને સદાને માટે લીલોછમ રાખે.
આ બધા ચાતુર્માસ દરમિયાન સાધ્વીશ્રી મૃગાવતીજીનાં સ્વાધ્યાય, વ્રતતપ અને તીર્થયાત્રા અવિરતપણે ચાલતાં રહ્યાં. આ ચાતુર્માસ વખતે વિદ્વાન પંડિતો પાસેથી સંસ્કૃત ભાષાનો અને ધર્મગ્રંથોનો અભ્યાસ કરવા લાગ્યાં,
સાધ્વી મૃગાવતીજીને અભ્યાસની ભારે તાલાવેલી હતી અને એમનાં માતાગુરુની એમને અભ્યાસ કરાવવાની અતિ તત્પરતા હતી. તત્પરતા તો એવી કે પોતે ઉંમરલાયક હોવા છતાં ઘણાં ધર્મકાર્યો તેઓ જ સંપન્ન કરી દેતાં, જેથી સાધ્વીશ્રી મૃગાવતીજીને અભ્યાસની અનુકૂળતા સાંપડે. આ અભ્યાસનો પ્રારંભ પણ અનોખી રીતે થયો. એક વાર કોઈ પંડિતે સાધ્વીશ્રી મૃગાવતીજીને સંસ્કૃત માર્ગોપદેશિકા બતાવી. જાણે વિદ્યાનો માર્ગ મળી ગયો હોય તેવો આનંદ થયો. એમણે સરસ્વતીની ઉપાસના શરૂ કરી. સૂતાં-બેસતાં, વિહાર કરતાં બધે જ સ્વાધ્યાયનું રટણ ચાલ્યા કરતું હતું. અભ્યાસની એવી ઉત્કટતા કે એની એક તક પણ ગુમાવે નહીં. જેમ કે કંઠસ્થ કરવાનું, સ્વાધ્યાય કરવાનું વગેરે અભ્યાસના કાર્યો તેઓ ચાંદનીના પ્રકાશમાં પણ કરતા હતા. ઈ. સ. ૧૯૪૦ (વિ. સં. ૧૯૯૬)માં જૂનાગઢના બીજા ચાતુર્માસ સમયે પૂ. આચાર્ય શ્રી નીતિસૂરિમહારાજ સાહેબના સમુદાયના પૂ. આચાર્ય ઉદયસૂરિજી મહારાજ સાહેબનું ચાતુર્માસ જૂનાગઢ નગરમાં જ હતું. આચાર્ય શ્રી ઉદયસૂરિજી મહારાજ સુંદર ભક્તિગીતોની રચના કરતા હતા. મધુર , ભાવવાહી અને કંઠમાં ગુંજે તેવી નવી-નવી સઝાયોનું સર્જન કરતા હતા. બાલસાધ્વી મૃગાવતીજીનો કંઠ મધુર હતો, આથી આચાર્યશ્રી એમની પાસે પદ કે સઝાય ગવડાવતા હતા. ‘ગિરનાર વંદનાવલિ'ની એ પંક્તિઓ જાણે પ્રત્યક્ષ અનુભવાતી હતી.
આત્મકલ્યાણના ઉજ્વળ પંથે બે તીર્થ જગમાં છે વડા, શત્રુંજય ને ગિરનાર, એક ગઢ સમોસર્યા આદિજિન, ને બીજે શ્રી નેમિ જુહાર; એ તીર્થ ભક્તિના પ્રભાવે, થાયે સૌનો બેડો પાર,
એ તીર્થરાજને વંદતા, પાપો બધાં દૂર જતાં. સંયમના પંથે પગલાં માંડ્યાં અને ‘બેડો પાર’ કરાવે એવા તીર્થરાજને વંદન કરવાની સુવર્ણ તક મળી અને પૂ. સાધ્વીશ્રી શીલવતીજીએ ચઉવિહાર છઠ્ઠ કરીને ગિરનાર તીર્થરાજની સાત યાત્રાઓ કરીને જીંદગીનો અનુપમ લ્હાવો લીધો. વળી શ્રી શત્રુંજયગિરિની માફક જ ગિરનાર ગિરિરાજ પ્રાયઃ શાશ્વત છે અને રૈવતગિરિ (ગિરનાર) એ શત્રુંજય ગિરિનું પાંચમું શિખર હોવાથી એ પાંચમું જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન આપનારું ગણાય છે. વળી ગઈ ચોવીસીમાં થયેલા અને આવતી ચોવીસીમાં થનારા તીર્થંકરોનાં દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણ ગિરનાર ગિરિવર પર થયા છે અને હવે પછી થશે.
વિશ્વની અતિપ્રાચીન એવી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિનાં અતિભાવપૂર્વક દર્શન કર્યા. પૃથ્વીના તિલક સમાન આ તીર્થની યાત્રા કરી અને એની ગુફાઓમાં ચાલતી યોગીઓની સાધના જોઈ આત્મા અનુપમ ઉલ્લાસ અનુભવતો હતો.
એ પછી પુનઃ માતાગુરુ સાથે પૂ. મૃગાવતીશ્રીએ ત્રીજો અને ચોથો ચાતુર્માસ પાલીતાણાની લલ્લુભાઈની ધર્મશાળામાં કર્યો અને અહીં ઉત્કૃષ્ટ ધર્મઆરાધનાની સાથોસાથ સતત જ્ઞાનઆરાધના પણ ચાલતી રહી. પૂ. સાધ્વીશ્રી શીલવતીજીની છઠ્ઠ અઠ્ઠમ કરીને સિદ્ધાચલજીની યાત્રાઓ અને ચત્તારી અઠ્ઠ દસ દોય વગેરે તપઆરાધના પણ ચાલતી રહી.
કેવળી તીર્થકર શ્રી સીમંધર સ્વામીએ કહ્યું છે કે જગતમાં શત્રુંજય મહાતીર્થ જેવું કોઈ તીર્થ નથી, એની યાત્રાઓ ચાલતી રહી અને શ્રી ‘શત્રુંજય લધુકલ્પની ગાથાઓ સ્મરણમાં આવવા લાગી.
जं लहड़ तित्थे, उग्गेण तवेण बंभचेरेण ।
तं लहई पयत्तेणं, सेत्तुंज-गिरिम्मि निवसंतेण ।। (બીજાં તીર્થોમાં ઘણું ઉગ્ર તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે