________________
પગે ફોલ્લો થતાં એના પર નસ્તર મુકાવતી વખતે વલ્લભભાઈમાં રહેલી સહનશીલતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની અદ્ભુત દૃઢતાનો પરિચય મળે છે. ખેડાની મહેસૂલ લડત, બોરસદની લડત અને પછી બારડોલીની લડત – એમ ત્રણે લડતમાં વલ્લભભાઈએ પ્રજાના વીરત્વનો પરિચય કરાવ્યો. આ રૂપકમાં વચ્ચે વચ્ચે વલ્લભભાઈનાં ઉદ્ગારો મૂકીને એમના ખમીરવંતા વ્યક્તિત્વને પ્રગટ કર્યું છે.
આ બારડોલી ભારતકી થર્મોપોલી” નામના રૂપકમાં નાટ્યકાર ચન્દ્રવદન મહેતા વલ્લભભાઈની વિશેષતા દર્શાવતા આલેખે છે : ખુશાલભાઈ : મૂળ વાતે સરદારનું હાડેહાડ ખેડૂતનું. ગાંધીજીએ ૧૯૧૭માં એક
જ શબ્દમાં સરદારને હિન્દુસ્તાનમાં ખેડૂતનું સ્થાન સમજાવી દીધું. સરદાર શાનમાં સમજી ગયા. એટલે ખેડૂતની સેવા કરવાની તક પહેલી ખેડાની મહેસૂલી લડતમાં સાધી, પછી બોરસદમાં, અને ત્રીજી બારડોલીમાં. પૂર્વ અવસર ઊજવી, ખેડૂતો અને ખેતીના
રહસ્યને ઉપનિષદ રચ્યું. એ તે કેવા મોટા આચાર્ય ! મારકંડ : આ એમનું એટલે કે વલ્લભ ઉપનિષદનું એક સૂત્રમંડળ :
“આખું જગત ખેડૂત ઉપર જ નભે છે. અને સૌથી વધારે જુલમ ખેડૂત સહન કરે છે. સરકારને નામે ગમે તે એક ધગડુ આવીને એને ધમકાવી જાય; ગાળો ભાંડી જાય , વેઠ કરાવી જાય; સરકાર ધારે એટલા કરનો બોજો ખેડૂત ઉપર નાખે, વરસોની મહેનત પછી ઝાડ ઉછેરે, એ ઉપર વેરો, કૂવો ખોદી પાણી લે એ ઉપર વેરો, ખેડૂત પાસે વીધું જમીન હોય, પાછળ બળદ રાખતો હોય, ભેંસ પાળતો હોય, ખાતર-પંજો કરતો હોય, વરસાદમાં ઘૂંટણભર પાણીમાં વીંછીની સાથે રમત કરી હાથ નાંખી, ભાત વાવતો હોય, દેવું કરી બી વાવે, બૈરાં-છોકરાં સાથે જે ઊગે તે વીણે, ગાલ્લી રાખે, એમાં નાંખી એ વેચી આવે, ઢોર સાથે ઢોર જેવા થઈને રહે. એમાંથી પાંચ-પચીસ મળે, એટલા ઉપર સરકારનો લાગો ! ખેડૂત ડરીને દુ:ખ વેઠે, ઉપરથી જાલિમની લાતો ખાય, એવા ખેડૂતોને રાંકડા મટાડી ઊભા કરું, ઊંચે મોઢે ફરતા કરું, એટલું કરું તો મારું જીવ્યું સફળ માનું.”
રૂપકમાં પ્રસંગોને ઉપસાવવા માટે પૃચ્છક અને શાસ્ત્રીજી , શિષ્ય અને શિક્ષક, કવિ અને માયા જેવાં પાત્રો રચ્યાં છે. એ દ્વારા પ્રસંગોનું આલેખન કરવાની સાથે સરદારની પ્રતિભા પણ દર્શાવી છે. સરદારના કટાક્ષને દર્શાવતો આ સંવાદ એમની પ્રતિભાને પ્રગટ કરે છે : પૃચ્છક : સરદાર સાહેબના કટાક્ષને તો કોઈ નહીં પહોંચે. શાસ્ત્રીજી : કટાક્ષમાં કડવાશ પણ હોય, પણ કડવાશ વિનાના હાસ્યની પણ
કંઈ ઓછી નોંધણી નથી. તે પણ આપણે જોઈશું, પરંતુ સત્ય કથનમાં એમને કોઈ ન પહોંચે. મહારાષ્ટ્રમાંથી તામિલનાડુમાં ગયા, ત્યાં ગુજરાતી હિન્દીમાં બોલ્યા. ત્યાંથી બિહારના ખેડૂતોની પરિષદમાં ગયા. રાજેન્દ્રપ્રસાદ પથારીવશ હતા. ત્યાં સભામાં વિષયવિલાસમાં પૈસા બરબાદ કરનારા જમીનદારો માટે, કિસાનની પામરતા માટે, અને સ્ત્રીઓનો પરદો, તે પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે નહીં પણ સ્ત્રી અને સ્ત્રી વચ્ચે, એ ત્રણ વાતો ઉપર ટીકા હૃદય
સોંસરી ભાષામાં કહી. પૃચ્છક : એમાંથી થોડી વાણી તો સંભળાવો. શાસ્ત્રીજી : સરદાર કહે છે – સ્ત્રીઓને પરદામાં રાખી તમે અર્ધગવાયુથી
પીડાઓ છો. વળી કહે, એ પરદામાંથી બહાર આવે તો તમે કેવા ગુલામ છો, એ એ જોઈ જાય એથી તમે ડરો છો. મારું ચાલે તો એ બહેનોને કહું કે તમે આવા વ્હીકણ બાયલાઓની સ્ત્રીઓ
બનવા કરતાં, તમારા ધણીને છેડા ફાડી આપો તો સારું. સરદાર વલ્લભભાઈના જીવનકાર્ય વિશે કેટલીક ખોટી સરખામણીઓ પણ થઈ છે. એમાંથી સૌથી વધુ પ્રચલિત સરખામણી જર્મનીના બિસ્માર્ક સાથે કરવામાં આવી છે, પરંતુ આ સરખામણી કેટલી ખોટી છે તે પણ ચન્દ્રવદન મહેતાએ દર્શાવી છે. બિસ્માર્ક પોતાની લશ્કરની બંદૂકની અણીએ રાજ્યોને તાબે કર્યા હતાં. જે ગામ એના લકરને ખાવા ન આપે તેવાં ગામોને બાળ્યાં હતાં. એના રૂંવેરૂંવે સત્તાનો ચકચૂર નશો હતો. એને ફ્રેન્ચ પ્રજા પ્રત્યે ધૃણા હતી અને સરદારે જે રીતે રાજવીઓનું રાજ લીધું અને છતાં એમનો પ્રેમ સંપાદન કર્યો એવું શત્રુ પ્રત્યેનું પ્રેમ-ઔદાર્ય બિસ્માર્કને