________________
આજની આપણી માતૃભાષામાં અંગ્રેજી શબ્દોનું ચલણ દિવસે ને દિવસે વધતું જાય છે. અંગ્રેજી શબ્દના ગુજરાતી પર્યાયની કે તેના માટેના યોગ્ય પારિભાષિક શબ્દની ખોજ કરવાની પ્રક્રિયા જાણે અટકી ગઈ હોય અને એના બદલે અંગ્રેજી શબ્દ જ ઘુસાડી કે ઠાંસી દેવાની અપક્રિયા ચાલતી હોય એવું લાગે છે. ગુજરાતીમાં અર્થ આપી શકાય તેમ હોવા છતાં તેમને હઠાવીને માતૃભાષાના સિંહાસન પર પેલા વિદેશી શબ્દોને બેસાડવામાં આવે છે. એમ પણ કહેવાતું આવ્યું છે કે આ નવા જમાનાના બદલાતા મિજાજની ભાષા છે. હકીકતમાં ભાષા ભાષકના મિજાજને ઘડે છે કે ભાષકનો મિજાજ ભાષાને ઘડે છે તે ઊંડી તપાસ માગી લે તેવો યક્ષપ્રશ્ન છે. માતાનું દૂધ સંતાનના તનને મજબૂત કરે છે તો માતૃભાષા એના મનને મજબૂત કરે છે. જે હૂંફ, પ્રેમ, આત્મીયતા અને સંવેદના માતા પાસેથી મળે છે એ માતૃભાષા દ્વારા સહજતયા ને સચોટતાથી અભિવ્યક્ત થઈ શકતી હોય છે.
આજે અંગ્રેજી એક રાષ્ટ્રની નહીં, બલ્ક અનેક રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા બની હોવાથી એ ભાષાનો પરિચય આવશ્યક છે, અંગ્રેજીની બારી બંધ કરાય નહીં; પરંતુ દીવાનખાનામાં બેસાડવાને લાયક વ્યક્તિને આપણા રસોડામાં તો પેસાડીને બેસવા દેવાય નહીં ને ? અંગ્રેજીને આપણી માતૃભાષાનું આસન તો ન જ અપાય ને ? માની ગોદ તે માની ગોદ, અન્ય કોઈનું સ્થાન એનો વિકલ્પ ન થઈ શકે. આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણો ઇતિહાસ એ બધું શીખવા માટે અંગ્રેજી ભાષાને બદલે આપણી માતૃભાષાનો ઉપયોગ થવો જોઈએ. આજે માતૃભાષા પ્રત્યે દીનભાવ ને હીનભાવ સેવવામાં આવે છે અને ધીરે ધીરે એ હીનભાવ કુટુંબ અને પોતાની જાત પ્રત્યે પણ ફેલાય છે અને વ્યક્તિ પોતાનું આત્મગૌરવ ગુમાવતી જાય છે, પરિણામે તે આત્મભ્રષ્ટ થતી જાય છે અને આત્મભ્રષ્ટતા પદભ્રષ્ટતા કરતાં પણ ઘણી ખતરનાક હોય છે એ સમજનારાઓ તો સમજે જ છે.
ગુજરાતની જેટલી વસ્તી છે. એનાથી ઓછી વસ્તી ધરાવતા વિશ્વના ચાલીસ જેટલા દેશોએ પોતાની માતૃભાષા વિકસાવી છે. એ દેશો પોતાનું આંતરસત્ત્વ છોડીને અંગ્રેજી ભાષાના કે અન્ય કોઈ ભાષાના પ્રવાહમાં વહી ગયા નથી. મે, ૨૦૧૬માં નૉર્વેની વસ્તી પર લાખ ૧૩ હજાર હતી: ઇઝરાયલની ૮૬ લાખ ૨ હજારની અને સ્વીડનની વસ્તી મે, ૨૦૧૬માં ૯૯ લાખ ૫૪ હજારની હતી. આ બધા દેશોમાં એમની માતૃભાષા ગૌરવભર્યા સ્થાને બિરાજે છે અને
એમના જીવનનાં સર્વ ક્ષેત્રોમાં તે સારી રીતે પ્રયોજાય છે. આને માટે એમના રાષ્ટ્રનો કોઈ એકાદો વર્ગ નહીં, પણ સમગ્ર પ્રજા જાગ્રત છે. ૯૯ લાખની વસ્તી ધરાવતા સ્વીડનમાં માતૃભાષામાં ચર્ચાવિચારણા કરનારા ૨૭,000 તો ચર્ચામંડળો છે. ૨૦૧૧માં છ કરોડ ને ત્રણ લાખની વસ્તી ધરાવતું ગુજરાત કેમ માતૃભાષાના વિકાસની બાબતમાં પાછળ રહે છે? પાછું પડે છે ? આપણે ત્યાં કવિ નર્મદના જમાનામાં ‘મંડળી મળવાથી થતા લાભ ની વાત થતી હતી. આજે ગુજરાતી ભાષામાં ચર્ચાવિચારણા ચલાવતા હોય એવાં કેટલાં મંડળો છે ? જે મંડળો ચાલે છે, તેમાંયે સીધી માતૃભાષાવિષયક ચર્ચાઓ કેટલી થાય છે ? એક સમયે અમદાવાદમાં શ્રી મહાદેવભાઈ દેસાઈ ટ્રોફીનો ગુજરાતીમાં વસ્તૃત્વ સ્પર્ધાની દૃષ્ટિએ ભારે મહિમા હતો; આજે શું સ્થિતિ છે ? ‘ચકે વાવે નાતે તીવધ: ' એ સૂત્ર સાચું હોય તો વિદ્વાનોનાં મંડળો અવારનવાર મળી પોતાની ભાષામાં તે અંગેની તત્ત્વચર્ચા કેમ કરતાં નથી? વિદ્વાનો પરસ્પર પોતાની ભાષામાં ચર્ચાવિચારણા કરે તો વખત જતાં જ્ઞાનસમૃદ્ધિ વધે અને પરિણામે માતૃભાષાનો તેમ જ તેના સાહિત્યનો સર્વતોમુખી વિકાસ થતો રહે. એ રીતે ભાષા અને સાહિત્યનું સ્તર પણ ચોક્કસ ઊંચું આવી શકે.
સર્જનાત્મકતાનું સિંચન માતૃભાષામાં સતત થતું રહે એ ઇચ્છનીય છે, સર્જનાત્મકતાના અનુપ્રવેશે માતૃભાષાની શક્તિ કે સમૃદ્ધિ વધુ ને વધુ ગતિ પકડશે. આજના શિક્ષણવિદો વારંવાર કહે છે કે શિક્ષણનો વ્યાપ વધ્યો છે; પરંતુ સર્જકત્વ ઘટ્યું છે. વર્તમાન શિક્ષણપદ્ધતિમાં આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ અને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ભાષા અને સાહિત્ય વિશે વિચારતા થયા છીએ; અગાઉ ભાષા-સાહિત્યમાં સર્જકતાના બળે જે દીપ્તિ જોવા મળતી હતી તે હવે જાણે ઝંખવાતી લાગે છે તેનું કારણ શું ? આ અંગે થયેલાં સંશોધનોમાંથી એક તારણ એવું નીકળ્યું છે કે જે લોકો પોતાની માતૃભાષા છોડીને અન્ય ભાષા અપનાવે છે. અને તેમાં વિશેષ કામગીરી કરે છે તેઓ અનુકરણશીલ વધારે બની જાય છે અને સંશોધનશીલ ઓછા રહે છે.
આ રીતે માતૃભાષાની જો અવજ્ઞા થતી રહેશે તે ભુલાતી જશે તો વ્યક્તિનું આંતરસત્ત્વ અને એની ચેતનાનું પ્રાકટ્ય જોખમાશે ક્ષીણ થશે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત પોતાની માતૃભાષા જર્મનમાં રજૂ કર્યો હતો. એ જ આઇન્સ્ટાઇનની વિચારધારાને એક ડગલું આગળ લઈ જનાર જયંત નારલીકર તો આગ્રહ રાખે છે કે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો