________________
માતૃભાષામાં જ શીખવવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ એમને ઝડપથી આત્મસાત્ કરી લે. ઍરિસ્ટોટલ, પાયથાગોરાસ, કાર્લ માર્ક્સ અને બર્ટ્રાન્ડ રસેલે પણ પોતાના વિચારો માતૃભાષામાં પ્રગટ કર્યા. બાળકને એની માતૃભાષા અસલિયતનો ચહેરો આપે છે. એક સમયે અંગ્રેજી ભાષામાં સાહિત્ય રચનાર, નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયેલા થિયોંગે ગૂગી જેવા આફ્રિકન સર્જકો આજે પોતાની ગિયુ બોલીમાં લખવાનો આગ્રહ સેવે છે. તેમાં તેઓ ‘સેકન્ડ ફ્રીડમ’ માટેની એમની લડાઈ જુએ છે. શ્વેત લોકોના રાજકીય બંધનમાંથી મુક્ત થયા બાદ એમની માનસિક ગુલામીમાંથી પણ મુક્ત થવા માટે તેઓ પોતાની માતૃભાષાને સર્જકતાનું માધ્યમ બનાવી રહ્યા છે.
બંગાળીઓ કે મહારાષ્ટ્રીયોમાં છે તેવો માતૃભાષા માટેનો મજબૂત પ્રેમ આપણામાં છે ખરો ? આખીયે સભામાં માંડ બે ટકા ગુજરાતી નહીં જાણનારા લોકો હોય તેમ છતાં ગુજરાતી-ભાષી વક્તા અંગ્રેજીમાં બોલવાનો ધખારો રાખે તો શું કહેવું ? આવા પ્રસંગોએ માતૃભાષાની જે પ્રકારે વિડંબના થાય છે તે અંગે શું કહેવું ? ગુજરાતી ભાષા પર અવારનવાર આડેધડ થતા હુમલાઓ માટે કેટલેક અંશે અંગ્રેજી માટેનો વ્યામોહ તે માટેની ઘેલછા ને પોતાને આધુનિકતમ દેખાવાની પ્રદર્શનવૃત્તિ પણ કારણભૂત હોવાનું લાગે છે. માતૃભાષા ગુજરાતી પ્રત્યેની આપણી બેઅદબી અક્ષમ્ય જ લેખાય.
આપણે ત્યાં જીવનનાં વિધેયાત્મક મૂલ્યોની કટોકટીની વાત થાય છે. એના મૂળમાં માતૃભાષાગત મૂલ્યોની કટોકટી જવાબદાર કેટલી તે તપાસવા જેવું ખરું.
સાહિત્યસર્જકની આત્મપ્રતિષ્ઠા તેમ જ સામાજિક પ્રતિષ્ઠામાં તેની ભાષાનું ઘણું મહત્ત્વનું પ્રદાન હોય છે. જ્યારે માતૃભાષા સર્જનની ભાષા તરીકેનું કાઠું કાઢે છે ત્યારે તેનો શક્તિપ્રભાવ ઘણો વધી જાય છે. બે વ્યક્તિઓ વચ્ચેના સંવાદમાં ભાષા મહત્ત્વનો ભાગ ભજવે છે. દરેક પ્રજા પોતાનાં મૂલ્યો પર જીવતી હોય છે અને એ રીતે તે પોતાની પરંપરા સાથે જોડાણ સાધતી હોય છે, આથી સૌથી વિકટ પ્રશ્ન એ મૂલ્યો અને સંસ્કૃતિનો વારસો પછીની પેઢીને કઈ રીતે આપવો એનો હોય છે. એમાં માતૃભાષા સૌથી વધુ સહાયક થાય છે.
શ્રીમદ્ભગવદ્ગીતાના ‘કર્મયોગ’ની વાત અંગ્રેજીમાં કરીએ ત્યારે ‘કર્મ’ શબ્દનો અંગ્રેજીમાં અદ્દલ અનુવાદ કરવો અતિ મુશ્કેલ લાગે છે. એમાં પણ ‘કર્મ’ શબ્દની અંગ્રેજીમાં અર્થચ્છાયાઓ પકડવી, એ તો કપરાં ચઢાણ ચઢવાનો અનુભવ કરાવે છે. વળી ‘કર્મ’ના સંબંધમાં હિંદુ કર્મવાદ અને જૈન કર્મવાદની ભિન્નતા
કઈ રીતે બતાવવી તે મોટો સવાલ ઊભો કરે છે.
થોડાં વર્ષો પૂર્વે આચાર્ય ઉમાસ્વાતિજીએ ચોથી સદીમાં રચેલા ‘તત્ત્વાર્થસૂત્ર’ ગ્રંથના અંગ્રેજી અનુવાદનું કાર્ય ચાલતું હતું, ત્યારે જૈન પરિભાષાના ‘સમ્યક્ દર્શન’ શબ્દપ્રયોગ માટે કલાકોના કલાકો સુધી ગડમથલ ચાલી હતી. બ્રિટનમાં શબ્દો ઘડી આપનારા માટે ‘વર્ડસ્મિથ’ શબ્દ પ્રયોજાયો છે. એવા ‘વર્ડસ્મિથ' સાથે બેસીને જૈન દર્શનના સૌ અભ્યાસીઓએ લાંબી ચર્ચા કરી અને અંતે ‘સમ્યક્ દર્શન' માટે ‘ · પર્યાય પસંદ કર્યો, પણ તેમ કરતાં જોડે એમ પણ નોંધ્યું કે આ શબ્દ મૂળ શબ્દના ભાવને પૂરેપૂરો પ્રગટ કરતો નથી. માતૃભાષામાં ખવાણ થવા લાગે ત્યારે જીવનમૂલ્યો, પ્રજાની કોઠાસૂઝ, એના લોહીમાં ભળેલા સંસ્કારો, એનો ઇતિહાસ જેવી અનેકાનેક બાબતોનું ખવાણ પણ થવા માંડે છે. એટલે કે વ્યક્તિનું સત્ત્વ જ ક્ષીણ થાય છે. એક અર્થમાં કહીએ તો એનાં સઘળાં મૂળિયાંને લૂણો લાગવા માંડે છે. આમ જે તે પ્રજાની માતૃભાષા ક્ષીણ થાય ત્યારે તેનાં પુષ્ટિસંવર્ધક જીવનમૂલ્યોનો પણ હ્રાસ થતો જાય છે અને પરિણામે પેઢી પેઢી વચ્ચેનું અંતર ન પુરાય એવી ખાઈમાં પલટાઈ જાય છે.
બીજી ભાષામાં વિચાર કરવાની આપણે કોશિશ કરીએ છીએ, પણ એને પૂરેપૂરી અપનાવી શકતા નથી એને આપણી લોહીની ભાષા બનાવી શકતા નથી. આપણા ભાષાવ્યવહારનો સીધો સંબંધ આપણી આંતરિક ચેતના સાથે, આપણી સર્જનાત્મક શક્તિ સાથે જોડાયેલો હોય છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ સધાય છે ત્યારે એક સંસ્કારલક્ષી ઘટના ઘટે છે, એક ભાષાકીય ઘટના ઘટે છે. એ રીતે બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વનો સુમેળ સાધવાની ભૂમિકા ઊભી થાય છે ને ત્યારે એ સંબંધના રાસાયણિક સંયોજનમાં માતૃભાષા એક મહત્ત્વનું પ્રેરક-પોષક પરિબળ બની રહેતું હોય છે.
બાળક સૌથી વધુ શિક્ષણ ઘરમાંથી લેતું હોય છે અને તેથી માતૃભાષા એને હૃદયવગી અને જીભલગી હોય છે. કુદરતે આપણને ભાષા આપી; પરંતુ એની આપણે કરેલી માવજત કેટલી મજબૂત હોય છે તે પ્રશ્ન છે. સર્જકો, શિક્ષકો, ગ્રંથપાલો અને સમાજ-હિતચિંતકો સૌ ગુજરાતી માતૃભાષા માટે કટિબદ્ધ બનીને આંદોલન કરે છે પણ એમાં વિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ, મૅનેજમેન્ટના નિષ્ણાતો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને શ્રમજીવીઓ ક્યાં છે ?
માણસમાં બહુભાષી થવાની ક્ષમતા છે અને તેથી એકવીસમી સદીના