________________
સ્થળે સામાન્ય જ્ઞાન પરભાષામાં આપવાનો આપણા દેશના જેવો વિપરીત શિક્ષણક્રમ નહીં હોય.”
અંગ્રેજી સિવાયના બધા વિષયો માતૃભાષા દ્વારા શીખવવામાં આવે તો શ્રી અંબાલાલ દેસાઈ નોંધે છે તેમ, “વિદ્યાર્થીઓને પડતો શ્રમ કમી થઈ શાળાઓમાં ભણતા દરેક બાળકના આવરદાનાં ક્રમમાં કમ બેચાર અમૂલ્ય વર્ષ ઊગરે; એટલું જ નહીં, પણ આપણાં બાળકોનાં તનની, મનની ને હૃદયની શક્તિઓનો ઉકેલ ઘણો સારો થાય. કેળવણીનો ખર્ચ પણ કમી થાય.” આને બદલે અવળી ગંગા વહી. માતૃભાષાના શિક્ષણની અવજ્ઞા થતી રહી. પહેલાં કૉમર્સ અને સાયન્સના પ્રથમ વર્ષમાંથી ગુજરાતીને વિદાય આપી. એ પછી આર્ટ્સમાંથી પણ એને વિદાય મળી !
યહૂદીઓની માતૃભાષા હિબ્રૂએ અનેક દેશમાં ફેલાયેલા યહૂદીઓને એક તાંતણે બાંધ્યા છે. નાઝી દમનને કારણે દેશાંતર કરનારી યહૂદી પ્રજા દુનિયાના અનેક દેશોમાં વહેંચાયેલી છે. વર્ષોથી બીજા દેશમાં વસતી હોવાથી એ દેશની સંસ્કૃતિથી કેટલેક અંશે એ રંગાયેલી પણ છે; આમ છતાં તાજેતરમાં અમલમાં આવેલા હિબ્રૂ ભાષાના શિક્ષણપ્રયોગોએ જુદા જુદા દેશમાં વસતા યહૂદી લોકોનું ખમીર જગાડ્યું. ૧૯૪૮માં ઇઝરાયલની રચના થયા બાદ ત્યાંની સરકારે હિબ્રૂ ભાષાને અધિકૃત ભાષા જાહેર કરી અને એ પછી આ ભાષાના પ્રસાર માટે અથાગ પ્રયત્નો આદર્યા. હિબ્રૂ ભાષામાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે ‘હિબ્રૂ યુનિવર્સિટી ઑફ જેરૂસલેમ' સ્થાપવામાં આવી. એ યુનિવર્સિટીમાં જગતભરના વિદ્યાર્થીઓ આવે છે. આમ માતૃભાષા હિબ્રૂના શિક્ષણપ્રતાપે હિબ્રૂઓમાં ખમીર અને ખુમારી પુષ્ટિને સંવર્ધન મળ્યાં. પરિણામે એ પ્રજા હવે ખૂનખાર દુશ્મનોની વચ્ચે અણનમ રહીને પોતાની અસ્તિતા ને અસ્મિતાને બરોબર જાળવીને સ્વાભિમાનથી ટકી રહી છે. એ રીતે માતૃભાષા હિબ્રૂએ ઇઝરાયલના જોમ અને જુસ્સાને કેળવવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેથી આધુનિક વિશ્વમાં ઇઝરાયલ મહત્ત્વનું સ્થાન મેળવી શક્યું છે. સમગ્ર પ્રજા પોતાની માતૃભાષા પ્રત્યે અભિમુખ બને તો કેવાં રૂડાં પરિણામો પામી શકે તેનું ઇઝરાયલ ઉદાહરણ છે.
આજે જગતભરમાં ગુજરાતીઓ ફેલાયેલા છે. દુનિયાના જે દેશોમાં ગુજરાતીઓ ગયા, ત્યાં તેઓ પોતાના ગુજરાતને, ગુજરાતી ભાષાને અને તેનાં સંસ્કાર-સંસ્કૃતિને પણ લઈને ગયા છે અને આજે પણ વિદેશની નિશાળોમાં, ધાર્મિક કેન્દ્રોમાં કે ગુજરાતીઓ દ્વારા સંચાલિત સંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષા
શીખવવામાં આવે છે. શું આપણે આપણી માતૃભાષા દ્વારા ગુજરાતીઓને એક તારે બાંધી, તેમને સંગઠિત કરી સવિશેષ બળવાન કરી શકીએ છીએ ખરા ? આ સંદર્ભમાં પંચાણુ ટકા અક્ષરજ્ઞાન ધરાવતા યહૂદીઓનો દેશ ઇઝરાયલ આપણને જરૂર યાદ આવે.
જરા કલ્પના કરીએ કે ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીને જ કેન્દ્રમાં રાખીને એક અલગ યુનિવર્સિટીની સ્થાપના થઈ હોય. તેમાં ગુજરાતી ભાષા તેમ સાહિત્યના અનેકાનેક વિષયોનું તલસ્પર્શી શિક્ષણ અપાતું હોય. ત્યાં એ અંગેનાં સંશોધન-સંપાદન-અનુવાદ વગેરેની પ્રવૃત્તિઓ ચાલતી હોય. એ યુનિવર્સિટીનો લાભ લેવા માટે માત્ર ગુજરાતીઓ જ નહીં, પણ બિનગુજરાતીઓ કે પરભાષી વિદેશીઓ પણ આવતા હોય! આજેય મહાત્મા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો'ના હાર્દને મૂળ રૂપે પામવા માટે ગુજરાતીનો અભ્યાસ કરનારા અનેક વિદેશીઓ તમને મળતા હોય છે.
ખલિલ જિબ્રાને કહ્યું છે કે માતાએ મને માતૃભાષામાં ભણાવવાનો આગ્રહ રાખ્યો, તેથી હું ખલિલ જિબ્રાન બન્યો. પંદર જેટલી ભાષાઓ જાણનાર સંત વિનોબા ભાવે કહેતા હતા કે મારી માતાએ જ મારી માતૃભાષાનો પાયો નાખ્યો, તેથી હું આટલું ભણી શક્યો, આટલી ભાષાઓ સુધી પહોંચી શક્યો.
આજે બે-અઢી વર્ષના બાળકને માતાપિતાની છાયામાંથી ખસેડી અંગ્રેજી પ્લે-ગ્રૂપમાં દાખલ કરવામાં આવે છે તે શા માટે ? એક તો દેખાદેખીથી અને બીજું પોતાનો સમય ‘બગડે’ નહીં એવી કોઈ દાનતથી કદાચ એમ કરે છે. હવે તો એથીયે આગળ વધીને વૅકેશન કેર સેન્ટર શરૂ થયાં છે ! તેમાં રવિવારની રજાના દિવસે પણ બાળકોને ધકેલવામાં આવે છે. આથી બાળકોની હાલત ‘પાર્કિંગ લૉટ ’ જેવી બની રહે છે. એ રીતે શિક્ષણે અને સમૂહમાધ્યમોએ માતાપિતા પાસે ઓછામાં ઓછો સમય બાળક રહે એવી વરવી સ્થિતિ સર્જી છે. આ સ્થિતિ માતૃભાષાના પાયાના શિક્ષણ માટે ખૂબ જ હાનિકર છે. ઊંડાણથી વિચારીશું તો તુરત જણાશે કે માતૃભાષાની કેળવણી કે જ્ઞાનપ્રાપ્તિ માત્ર વાંચતાંલખતાં શીખવાથી થતી નથી; ઘરનું વાતાવરણ, આસપાસની દુનિયાનો સંપર્ક જુદી જુદી વ્યક્તિઓને મળવાથી વિસ્તરતી સમજ વગેરેથી પણ થતી હોય છે. એનાથી વિમુખ રહેલું બાળક આંખે ડાબલા બાંધેલા વછેરા જેવું થઈ જાય છે. બાળકના વિકાસની અનેકવિધ ક્ષમતાઓ પારિવારિક વાતાવરણના અભાવે, યોગ્ય અભિવ્યક્તિ માટેના અવકાશના અભાવે ક્ષીણ થઈ જાય છે.