SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ થયો અને એને પરિણામે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સર્જકોને યોગ્ય સ્થાન પ્રાપ્ત થયું નથી. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા અંગ્રેજીમાં ‘ઇન્ડિયન લિટરેચર’ અને હિંદીમાં ‘સમકાલીન ભારતીય સાહિત્ય' જેવાં કૈમાસિકોમાં ગુજરાતી સાહિત્યના ઘણા ઓછા અનુવાદ પ્રગટ થાય છે. ગુજરાતી સાહિત્ય પાસે ગુણવત્તા છે, પરંતુ અહીં સુધી આપણે પહોંચી શક્યા નથી તે હકીકત છે. બંગાળી અને મરાઠી ભાષામાંથી આપણે ખોબે ખોબે સાહિત્ય લીધું, પરંતુ મરાઠી અને બંગાળી ભાષામાં આપણી કેટલી ઉત્તમ કૃતિઓ પહોંચી એ તપાસનો વિષય છે. માત્ર ઉદાહરણ તરીકે કહીએ તો રમણલાલ વસંતલાલ દેસાઈની ‘ભારેલો અગ્નિ' કે કાકાસાહેબ કાલેલકરના નિબંધોના અનુવાદ પણ ત્યાં પહોંચી શક્યા નથી. આ કામ કઈ રીતે થઈ શકે ? આને માટે પહેલું કાર્ય એ કરવાની જરૂર છે કે ગુજરાતી સાહિત્ય અને તેમાંય શિષ્ટ સાહિત્યના ઉત્તમ ગ્રંથોનો અનુવાદ કરવો જોઈએ. એવી ઉત્તમ કૃતિઓ શોધવી જોઈએ કે જેમાંથી ગુજરાતનો સ્વભાવ, માનસ અને ભાવના-જગતનું દર્શન થાય. જેમ શોકેસમાં ઉત્તમ ઘરેણાં મૂકવામાં આવે છે, એ રીતે ગુજરાતનું શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્યમાં જે ઉત્તમ હોય તે અનુવાદ કરીને મૂકવું જોઈએ. જેમ કે ઉત્તર ગુજરાતના જનજીવનનો સાક્ષાત્કાર કરવા માટે ‘માનવીની ભવાઈ'નો કે સોરઠના વટવ્યવહાર અને ભાવનાજગતને દર્શાવવા માટે ‘સોરઠ તારાં, વહેતાં પાણીનો અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ ઉપયોગી બને. આમ વગ વધારવા કે મૈત્રી માટે નહિ, પરંતુ ‘આટલું ગુજરાતની બહાર જવું જ જોઈએ” એવા ખ્યાલ સાથે અનુવાદકાર્ય થવું જોઈએ. આવા અનુવાદકાર્યમાં સર્જકોએ વધુ રસ લેવો જોઈએ. વિખ્યાત રશિયન નવલિકાકાર અને નાટ્યલેખક એન્ટન ચેખોવ સર્જનકાર્ય સિવાયની પળોમાં અનુવાદ કાર્ય કરતા હતા. સવારથી સાંજ સુધી સર્જકમાં સર્જકતાનો ઉદ્રક હોતો નથી. એ તો થોડો સમય, તેનો ‘મૂડ’ હોય ત્યાં સુધી હોય છે. હવે જ્યારે સર્જ કતા(ક્રિએટિવિટી)નો ગાળો ન હોય, ત્યારે તે અનુસર્જન કે અનુવાદ કરતો હોય છે. ઝવેરચંદ મેઘાણીનાં અનુસર્જનોમાં મૂળની વસ્તુને પકડીને તળ ભાષામાં થયેલી રજૂઆત આસ્વાદ્ય છે. ‘રવીન્દ્રવીણા' એ ઉચ્ચ સાહિત્યિક નિસબત સ્તરનો અનુવાદ ભલે ન હોય, પરંતુ ‘રવીન્દ્રવીણા'ને રવીન્દ્રનાથ જેટલી લોકપ્રિય કરી શક્યા નહીં, તેનાથી વધુ ઝવેરચંદ મેઘાણી આસ્વાદ્ય બનાવી શક્યા. મુખ્ય વાત મૂળ સર્જકના અંતરનો પડઘો અનુવાદમાં અનુભવાય તે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરના ભાષણનો અનુવાદ કરવાનું કામ ગાંધીજીએ બજાવ્યું હતું અને એમણે એનો મર્મ પામીને વાત કરી હતી. આમ અનુવાદક પાસે અન્ય ભાષાના મર્મને પકડવાની ક્ષમતા હોવી જોઈએ. ભાષાંતર કરતાં અનુવાદ મુશ્કેલ છે. ભાષાંતરમાં જે લખ્યું હોય તેનો અનુવાદ હોય, પરંતુ અનુવાદમાં તો મુળની પાછળ વધુ સૂક્ષ્મતાપૂર્વક જવાનું હોય છે. દક્ષિણ ભારતમાં અંગ્રેજીના ઘણા અધ્યાપકોએ દક્ષિણ ભારતની ભાષાઓમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યા, જેથી આજે સમગ્ર દેશમાં દક્ષિણ ભારતના સર્જકો વિશેષ પ્રસિદ્ધ છે. દિગીશ મહેતાનું અહીં સ્મરણ થાય છે. પણ આવા ગુજરાતી સાહિત્યનો અનુવાદ કરનારા અંગ્રેજીના અધ્યાપકો આપણે ત્યાં કેટલા? ખરેખર તો વ્યવસાયી ધોરણે અનુવાદકો તૈયાર કરવા જોઈએ. લેખક કે પ્રાધ્યાપકની જેમ અનુવાદક તરીકે કારકિર્દી ઘડી શકાય એવી શક્યતા સર્જવી જોઈએ. કન્નડ સાહિત્યકાર શ્રી યુ. આર. અનંતમૂર્તિએ તો કહ્યું હતું કે યુનિવર્સિટી અને સરકાર મળીને ચારેક વ્યક્તિને અન્ય રાજ્યોમાં મોકલે. તેઓ ત્યાંની ભાષા જાણે અને ત્યાં રહીને એની સંસ્કૃતિનો માહોલ સમજે કારણ કે એમણે માત્ર કૃતિનું ભાષાંતર કરવાનું નથી, પરંતુ એનું સાંસ્કૃતિક રૂપાંતર પણ આપવાનું છે અને આવા અનુવાદકોને સારું એવું પારિશ્રમિક પણ મળવું જોઈએ. ભાષાશિક્ષણમાં અનુવાદનું પ્રશ્નપત્ર હોવું જોઈએ. શ્રી ઉમાશંકર જોશી કહેતા કે, એક ભાષા શીખે ન ચાલે આથી તેઓ સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ કોઈ પણ વિષય “એન્ટાયર’ લઈને વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય તે પસંદ કરતા નહીં. એકલું ગુજરાતી ન ચાલે કે એકલું અંગ્રેજી ન ચાલે. અનુવાદ એ તો એક ધરતીનો ધરુ ઉપાડીને બીજી ધરતીમાં રોપવા જેવું કામ છે. એ સાચું છે કે અસલ તે અસલ છે અને પ્રતિબિબ તે પ્રતિબિંબ છે. પરંતુ એવું પ્રતિબિબ ઝિલાવું જોઈએ કે જેથી મુળનો ખ્યાલ આવે. અનુવાદપ્રવૃત્તિ ૮૬
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy