________________
ડિલે ઇસ ડેન્જરસ
એમનું હૃદય જાણે ભાંગીને ભુક્કો થઈ ગયું... એમની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા. “પ્રભુ ખુદ મારે આંગણે આવ્યા ને હું એમના દર્શન સુદ્ધા ન કરી શક્યો... હું કેટલો અભાગિયો ! હું કેટલો ભારેકર્મી ! ધિક્કાર છે મને... મને જેટલા ધિક્કાર આપું એટલા ઓછા છે... હું સમજતો હતો કે હું ઉત્સવ કરી રહ્યો છું, મને લાગતું હતું કે હું તૈયારી કરી રહ્યો છું, પણ હવે ખ્યાલ આવ્યો કે હું તો વિલંબ કરી રહ્યો હતો. એ મધરાત સવાર કરતાં ય વધુ સોહામણી થઈ શકી હોત, પણ મેં અભાગિયાએ આ સવારને મધરાત કરતાં ય વધુ બિહામણી બનાવી દીધી. લક્ષ્મી ખુદ મને ચાંદલો કરવા આવી, ને હું મોઢું ધોવા રહ્યો... રે..હવે પ્રભુ ફરી ક્યારે???” લાખો આંખો જાણે વાદળ બની છે, ને આખા ય ઉદ્યાનની ધરતી ભીની ભીની થઈ રહી છે.