________________ नमोऽस्तु तस्मै जिनशासनाय આ પ્રસ્તાવના - ગચ્છાચાર પન્નામાં ત્રણ વિભાગ છે. (1) ગચ્છાચાર્યના આચારો (2) સાધુઓના આચારો (3) સાધ્વીજીઓના આચારો આમાં જે મૂળગાથાઓ છે, એમાં મોટા ભાગે ઉત્સર્ગનું વર્ણન છે. શાસ્ત્રોના વચનો આચાર બાબતમાં છ પ્રકારના હોય છે. (1) ઉત્સર્ગવચન (2) અપવાદવચન (3) ઉત્સર્ગ-અપવાદ વચન (4) અપવાદ-ઉત્સર્ગ વચન (5) ઉત્સર્ગ-ઉત્સર્ગ વચન (6) અપવાદ-અપવાદ વચન આ ગ્રન્થની મૂળગાથાઓમાં પ્રાયઃ ક્યાંય અપવાદવચન જોવા નહિ મળે. એનું કારણ એ કે શરૂમાં તો સંયમીને ઉત્સર્ગથી જ ભાવિત કરવાનો હોય છે. અપવાદથી નહિ. અપવાદ ઇન્દ્રિયોની સુખશીલતાનો માર્ગ છે, ઉત્સર્ગ ઇન્દ્રિયોને પ્રતિકૂળ માર્ગ છે. જીવ આમ પણ સુખશીલતાના સ્વભાવવાળો છે, એટલે જો અપવાદ બતાવવામાં આવે, તો એ એમાં જ ખેંચી જાય. આ તો વાંદરાને દારુ પીવડાવવા જેવું થાય. માટે શરૂમાં સંયમીને ઉત્સર્ગના પદાર્થો પીરસવામાં આવે અને એ ઉચિત જ છે. પણ આ કાળ એકદમ પડતો કાળ છે. સંઘયણ નબળા... સંયમાનુકૂળ નિમિત્તો ઓછા... જીવોની એવી વિશિષ્ટતમ પાત્રતા પણ દુર્લભ... એટલે સંયમજીવનમાં નાના-મોટા દોષો તો પ્રાયઃ દરેકના જીવનમાં રહ્યા જ કરે છે.