________________ એટલે ઉત્સર્ગમાર્ગનું વર્ણન વાંચીને-સાંભળીને એનાથી ભાવિત થયેલો સંયમી બીજા સંયમીઓમાં તે તે દોષો જોઈને, ગચ્છાચાર વિરુદ્ધ આચાર જોઈને જો એવું વિચારવા માંડે કે “આ બધા તો ભ્રષ્ટ છે, સાચા સાધુ જ નથી..... તો આ દોષદૃષ્ટિ દ્વારા એ પોતાનું આત્મહિત ગુમાવી બેસે. વળી ખરી હકીકત એ છે કે ગચ્છાચારમાં બતાવેલા તમામ આચારો પાળે, તે સાજો જીવતો માણસ ! ગચ્છાચારમાં ન દર્શાવેલા અપવાદોને પુષ્ટાલંબનથી યતનાપૂર્વક સેવે, તે પણ સાજો જીવતો માણસ ! ગચ્છાચારથી વિપરીત આચારો સેવનારામાં બે ભેદ પડી જાય. તે આ રીતેએક માંદો પણ જીવતો માણસ ! બીજો માંદગીના કારણે મૃત્યુ પામેલો માણસ ! અમુક દોષોનું સેવન એવું છે કે એના કારણે સંયમ મલિન ચોક્કસ બને, પણ સંયમી મરી ન જાય, એ મેલ પછી પ્રાયશ્ચિત્ત દ્વારા ધોઈ જ શકાય છે. અમુક દોષોનું સેવન એવું છે કે એના કારણે સંયમ મરી જાય, એટલે કે ગુણસ્થાન બદલાઈ જાય, જતું રહે. આ મૃત્યુ કહેવાય. પણ મૃત્યુ પામેલું સંયમ પણ ફરી જીવંત થાય છે પ્રાયશ્ચિત્તાદિ દ્વારા ! આમ (1) શુદ્ધ અપવાદ સેવનારા પણ બહારથી ગચ્છાચારવિરૂદ્ધ આચરણ કરનારા લાગે, (2) અતિચાર સેવનારાને દોષ લાગે છે, પણ એમાં ચારિત્ર મરી જતું નથી, (3) અનાચાર સેવનારાને (એટલે કે મોટા દોષ સેવનારાને) ચારિત્ર તત્કાળ મરી જાય છે, પણ પછી પ્રાયશ્ચિત્ત દ્વારા એ જીવતું થઈ જાય છે. આ ત્રણેય જણ મોક્ષમાર્ગના આરાધક બને છે. પણ જે સંયમી આ બધું ન સમજે, અને માત્ર ગચ્છાચારપયન્ના ગ્રન્થના આધારે આ ત્રણ પ્રકારમાંથી કોઈના પણ માટે અસદુભાવ-નિંદા-તિરસ્કારાદિ કરે, તો એ સંયમી સ્વયં આચારપાલક શ્રેષ્ઠ કોટિનો હોય, તો પણ આત્મહિત ગુમાવી બેસે એવી શક્યતા પાકી છે.