________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા ઈતિહાસ, પૃ.૧૯૭) કૉન્ફરન્સ દ્વારા વિદ્યાકાર્ય મોહનભાઈનું મહત્ત્વનું કાર્યક્ષેત્ર તો વિદ્યા અને સાહિત્યનું હતું અને સ્વાભાવિક રીતે એ ક્ષેત્રે એમણે કૉન્ફરન્સને સક્રિય કરી અને પોતે કૉન્ફરન્સ દ્વારા આગવું પ્રદાન કર્યું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન ચેર સ્થાપવાનો વિચાર અમલી બન્યો એમાં મોહનભાઈનો હિસ્સો હતો. પંડિત સુખલાલજી આ બાબતમાં તટસ્થ હતા, તો મોહનભાઈએ એમની પાસેથી કાશીની સ્થિતિ જાણી કઈ શરતો મૂકવી જોઈએ તે જાણ્યું અને પત્રવ્યવહાર કરી એ શરતો કબૂલ કરાવડાવી. પછીથી યોગ્ય માણસને અભાવે જૈન ચેરનું તંત્ર ડામાડોળ થયું ત્યારે ૧૯૩૩માં પંડિત સુખલાલજી કાશી જવા તૈયાર થયા તેની પાછળ, એમના કહેવા મુજબ જ, “બળ હતું કોન્ફરન્સનું અને કૉન્ફરન્સ એટલે મારી દૃષ્ટિએ તે વખતે સજીવ કાર્યકર્તા બે મોહનભાઈ : એક દેશાઈ અને બીજા ઝવેરી.” એમણે સુખલાલજી માટે બધી વધારાની સગવડ કરી આપવાનું બીડું ઝડપ્યું. આનાં દૂરગામી પરિણામો આવ્યાં. કાળક્રમે જૈન ચેરને પોષક એવી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ જેવી સંસ્થાઓ પણ ત્યાં ઊભી થઈ અને વર્ષો સુધી અધ્યયન-અધ્યાપન, લેખન, સંશોધન અને પ્રકાશનની ઘણી મહત્ત્વની પ્રવૃત્તિઓ થઈ. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના કાર્યને” પંડિત સુખલાલજી કહે છે તેમ “સ્થાયી કીર્તિકળશ ચડાવનાર કાંઈ હોય તો તે મોહનભાઈની કૃતિઓ જ છે.” આ કૃતિઓ એટલે મોહનભાઈએ ચલાવેલાં કૉન્ફરન્સનાં માસિકો - હેરલ્ડ” અને “જૈનયુગ'. એમાં એમણે લખેલા સંખ્યાબંધ લેખો અને કૉન્ફરન્સ દ્વારા પ્રકાશિત એમના “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” તથા “જૈન ગૂર્જર કવિઓ' એ ગ્રંથો. સમય પસાર થાય તેમ જેનું મૂલ્ય વધે એવી આ કૃતિઓ છે. આ, આમ તો, ગણાય મોહનભાઈની સાહિત્યસેવા (જેની હવે પછી વીગતે વાત કરવાની છે), પરંતુ અહીં એ ઉલ્લેખનીય એટલા માટે બને છે કે મોહનભાઈની સાહિત્યસેવા જાહેર સેવા રૂપે પ્રગટ થઈ છે - એમાં જૈન સંપ્રદાય અને સમાજ એમની નજર સામે રહ્યા છે તથા પોતાની એ સેવા એમણે કૉન્ફરન્સ જેવી સંસ્થાને અર્પિત કરેલી છે.