________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ઉત્પન્ન થઈ ને દેશગત ભાવના કેમ સિદ્ધ ન થઈ તે સમજાવી બાળલગ્ન વગેરે રૂઢિઓ તથા કેળવણીનો અભાવ જેવાં દૂષણોનું ચિત્ર આપ્યું ને એ બધાના ઉપાય તરીકે બેઠા બળવાની જરૂર બતાવી, શુદ્ધ ચારિત્ર્યશાલી નેતાઓ ઉત્પન્ન થશે ત્યારે જ સુધારો થશે એમ કહ્યું. પણ પ્રમુખસ્થાને હતા પૂર્ણાનંદ સ્વામી. મોહનભાઈ પોતે જ નોંધે છે, “એ ચુસ્ત સનાતની અને પ્રાચીનતાપૂજક હોઈ પોતાનું વ્યાખ્યાન અન્ય દિશામાં જ લઈ ગયા.' આવું પણ થાય ! વાડીલાલ મો. શાહના ક્રાન્તિકારી વિચારોનું મોહનભાઈ આકર્ષણ અનુભવે છે અને એમનાં કેટલાંક કાર્યોને એ ટેકો આપે છે તેમ છતાં વાડીલાલની કાર્યશૈલીનો મેળ મોહનભાઈના સ્વભાવ સાથે ન જ મળે. વાડીલાલ તો તીખી જબાનવાળા માણસ. કેસરિયાજી તીર્થના ઝઘડા પ્રસંગે વાડીલાલ જે લખાણો કરે છે તેની મોહનભાઈ ટીકા કર્યા વિના રહી શકતા નથી અને કહે છે કે આ પ્રકારનાં લખાણોથી વૈમનસ્ય વધે છે. (જૈનયુગ, વૈશાખ 1983) સમાજમાં વૈમનસ્ય વધે એ મોહનભાઈને હરગિજ સ્વીકાર્ય નથી. આઘાત પહોંચાડીને નહીં પણ સમજાવટથી જ કામ લેવાનું એમને ગમે. જૈન સંપ્રદાયના ફિરકાઓ અને મોહનભાઈ મોહનભાઈ કુલધર્મથી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન હતા અને એમની પ્રવૃત્તિઓ એ સમુદાય સાથે વધારે સંબંધિત રહેતી. પણ આ તો તેમણે સ્વીકારેલી એક વ્યક્તિગત મર્યાદા હતી. એમની દૃષ્ટિ કંઈ આવા ફિરકામાં સમાઈ શકે એવી નહોતી. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” માત્ર શ્વેતામ્બરોના સાહિત્યને આવરે છે, દિગંબરોના નહીં. પણ એ કેમ બન્યું તે એમના શબ્દોમાં જ જોઈએ : દિગંબરી સાહિત્યનો ઈતિહાસ ગુજરાતીમાં લખવા માટે મેં પ્રયત્ન કરી જોયો, પણ પછી મને લાગ્યું કે કોઈ દિગંબર વિદ્વાન મહાશય જ તેને સંપૂર્ણ ન્યાય આપી શકે અને તેવા મહાશય મારા મિત્ર નથુરામ પ્રેમી અગર તો જુગલકિશોર મુખત્યાર છે... તે કાર્ય સત્વર થઈ જાય તો દિગંબરોએ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, હિંદી ઉપરાંત તામિલ અને કર્ણાટકી ભાષાનું સાહિત્ય ખેડવામાં જે મહાન ફાળો આપ્યો છે તે જણાય. એમ થતાં જૈનના