________________ 42 સામાજિક કાર્યો કરતા. રૂઢિનું તેમને બંધન હતું એવું નહીં, પણ સામાન્ય રીતે સામાજિક રૂઢિઓને એ અનુસરતા અને નિરર્થક રૂઢિનો પણ ખુલ્લેખુલ્લો વિરોધ ન કરતા. મોહનભાઈના સુધારાના વિચારોમાં બાળલગ્ન, કન્યાવિક્રય આદિ કુરિવાજોનો વિરોધ, કેળવણીનો પ્રચાર કરવાની ભલામણ, નિર્ધનતા દૂર કરવાના ઉપાયો, સર્વ પ્રકારની ભેદભાવનાઓનો ત્યાગ કરી એકતા સિદ્ધ કરવાનો ઉપદેશ વગેરે બાબતો - જે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોવા મળતી હતી તેનો - સમાવેશ થતો. વિશેષમાં જૈન કોમ વેપારી કોમ હોઈ એના એ દિશામાંના વિકાસની પણ મોહનભાઈ દરકાર કરતા. ખાનદેશમાં કૉમર્શિયલ સ્કૂલ માટે વાડીલાલ મો. શાહે પ્રયાસો કર્યા હતા તેને મોહનભાઈએ મજબૂત ટેકો આપેલો. બીજી બાજુથી, મોહનભાઈ જૈનોને ન્યાયસંપન્ન દ્રવ્ય મેળવવાનો નીતિમાર્ગ બતાવે છે અને વેપારીઓને સમાજના પેટ તરીકે વર્ણવી ઉદ્દબોધન કરે છે કે “પેટમાં પડેલું અન્ન કાંઈ પેટના ભોગવવામાં આવતું નથી, પણ લોહી બની આખા શરીરમાં જાય છે તેમ તમારું જે દ્રવ્ય છે તે સમાજરૂપી શરીરના પોષણ અર્થે કુદરતે સાચવવા સોંપ્યું છે. તમારે તે દ્રવ્યરૂપી અન્નનું શક્તિરૂપી લોહી બનાવી તે શક્તિ સમાજરૂપ શરીરને વહેંચી આપવી જોઈએ છે.” (હેરલ્ડ, ઑક્ટો.૧૯૧૩) ગાંધીજીએ પ્રેરેલા સમાજધર્મનો પ્રભાવ અહીં જોઈ શકાય છે. ધાર્મિક બાબતોમાં ક્રિયાકાંડો કરતાં વિચારને મોહનભાઈ વધારે મહત્ત્વ આપે છે. સાધુ વિશે એ કહે છે કે માત્ર વેષધારીને પૂજવા ને નભાવ્યે જવા એ વિચારનું અપમાન છે. જૈન સાધુઓને તો એ નવો કર્તવ્યમાર્ગ બતાવે છે - હિંદુ ઘર્મસુધારકોનાં પુસ્તકો વાંચે, જ્યાં જ્યાં વિહાર કરે ત્યાં જોવા મળતા શિલાલેખો ઉતારી લે, ગામોના ઇતિહાસ જાણે ને નોંધે; તેમજ જૈનોમાં એક ધર્મનાં - એક દેશનાં બાળકો તરીકેની ભાવના પ્રેરે વગેરે. (હરલ્ડ, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯). પણ સુધારાના આવા વિચારોને પણ ન સ્વીકારનાર, ન સહન કરનાર વર્ગ મોહનભાઈ સામે હતો જ. ખેડાના સ્વયંસેવક મંડળને આશ્રયે એમને એક વખતે ભાષણ કરવાનું આવેલું. એમણે દેશમાં વર્ણગત ભાવના કેમ