________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈ ભોગીલાલ જ. સાંડેસરા જૈન ગૂર્જર કવિઓના સંગ્રાહક અને સંપ્રયોજક સ્વ. મોહનલાલ દેશાઈનું પ્રથમ દર્શન અને એમના પ્રભાવશાળી વçત્વનું શ્રવણ, વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદનું પાંચમું અધિવેશન સને ૧૯૩૦માં પાટણમાં મળ્યું ત્યારે મેં કર્યું હતું. એ સમયે હું અંગ્રેજી પાંચમા ધોરણમાં (એટલે અત્યારના નવમા ધોરણમાં) ભણતો હતો. પરિષદમાં કામ કરનાર સ્વયંસેવકોમાં એક હું પણ હતો. અમારા કંટન “સ્વ. ડૉ. પંડ્યા સમાજસેવક મંડળ'ના (જેમના નામથી હજી પણ “ડૉ. પંડ્યા અભ્યાસગૃહ પાટણમાં ચાલે છે તે) સ્વ. અંબાલાલ મોતીલાલ દાણી હતા. મારું મુખ્ય કામ પુસ્તકપ્રદર્શન વિભાગમાં હતું. ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને સંસ્કૃત પુસ્તકોનું તથા હસ્તલિખિત સચિત્ર ગ્રન્થોનું એક વિશાળ પ્રદર્શન તે વખતની પાટણ હાઇસ્કૂલ - પછી એમ. એન. હાઈસ્કૂલ - ના વિશાળ વર્ગખંડોમાં યોજાયું હતું. જોનારાઓ આમતેમ ફરીને, અને કેટલાક તો ચારે કોર ડાફોરિયાં મારીને જતા રહેતા, પણ મારું ધ્યાન નવાં પુસ્તકોના આ મહાન મેળામાં હતું. આવો મેળો આ પહેલાં મેં કદી જોયો નહોતો અને સારી દુનિયાની પ્રદક્ષિણા કર્યા પછી પણ કહું છું કે ભવિષ્યમાં ભાગ્યે જોઈશ. મુખ્ય કારણ એ કે આ પુસ્તકમેળામાં નહોતો ઘોંઘાટ કે નહોતી પુસ્તક વેચવાની અહમદમિકા. પુસ્તકો જોઈને, પાનાં ફેરવીને, જેને જે કરવું હોય તે કરે. ગાંડીવનું બધું બાલસાહિત્ય એ સમયે - અને આજે પણ - અદ્દભુત લાગતું. પુસ્તકમેળામાં બપોરે અને અપરાદ્ધમાં, જ્યારે પ્રેક્ષકોની હાજરી પાંખી હોય ત્યારે, મેં એ સાવંત વાંચેલું. ચાર રૂપિયાની કિંમતની, ભીડેની સંસ્કૃત-ઈગ્લિશ ડિક્શનેરી (પ્રકાશક - ચિત્રશાળા પ્રેસ, પૂણે) મેં 33% કમિશનથી ખરીદેલી, જેનો ઉપયોગ હજી પણ મારા નાના ભાઈ ચિ.ઉપેન્દ્ર કરે છે.