________________ મરણને વારંવાર જોવાના કારણે જાગેલ ધર્મભાવનાથી જીવ ધર્મને કરે છે, કરાવે છે, તે કારણે ઉગ્ર પુણ્યપ્રભાવે મરણકાળે બધું છોડવા છતાં મનથી છોડે છે, પ્રસન્નતાથી નવકાર ગણતાં મરે છે. તેથી જે મરણ યાદ કરે તે સુખમાં ધર્મ કરે, પણ સુખ ભોગવવાની ઇચ્છા ન કરે. સુખ મેળવવાની ઇચછા થાય, ભોગવવાની ઇચ્છા થાય તેનાથી જેમ મરણ ભૂલાય તેમ મરણની પરંપરા ભૂલાય, તેથી આશંસા અને નિયાણા થાય અને આ ભવમાં સામગ્રી હોય તો ધર્મ ન કરતાં જીવ આંધળો બની સુખ મેળવવા-ભોગવવા દોડે. માણસ પોતાની બુદ્ધિથી સુખ અને દુઃખને જુએ છે, માપે છે. તેથી ત્યાગ, તપ, વિનય, નમ્રતા, કષાયજય, ઇન્દ્રિયદમન, સંઘભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન, ક્રિયા, સાધર્મિક ભક્તિ, આવશ્યક ક્રિયા, વૈરાગ્ય, ઉપશમ, ગંભીરતા, ઉદારતા, સહનશીલતા, ધર્મ-ધર્મ અને ધર્મના સાધનો ઉપર આદર, ભક્તિ, પ્રશંસા, રક્ષણ, વર્ધન; આ બધામાં જેને મમતા છે, પોતાનાપણું જુએ છે, એમાં એને આનંદ થાય છે, તે માણસ અનુકૂળતા અને વૈષયિક સુખોને વિશેષરૂપે ઇચ્છતો નથી, તેથી તે પોતાના મનને સહેલાઇથી પાછું વાળી શકે છે. જીવે દુઃખમાંથી અકળામણ ઘટાડવા માટે જીવનમાં શક્ય એ રીતે વૈષયિક પદાર્થો પરની આસક્તિ ઘટાડવા સાથે આ દુ:ખ ચાલ્યું જ જવાનું છે અને છેવટે મૃત્યુ સમયે તો બધા દુ:ખોનો અંત આવી જ જવાનો છે આ વિચારસરણીને આત્મસાત્ કરતા જવી. એક મોટો ભય બાકીના નાના ભયોને ગૌણ બનાવી દે છે, મોટું દુઃખ નાના દુ:ખોને ગૌણ બનાવી દે છે તેમ મૃત્યુની વિચારણા જીવનમાં આવતા બીજા દુઃખોને ગૌણ કરાવી દઈ સુંદર સમાધિ પ્રદાન કરે છે.