________________ દુઃખના અનુબંધો નાશ પામે છે, દુઃખોને આપનાર ઘણા પાપકર્મ નાશ પામે છે, દુઃખને લાવનાર, નિમિત્ત આપનાર કર્મો પણ નાશ પામે છે, સુખને પ્રાપ્ત કરાવનાર કર્મ બંધાય છે, સુખની સામગ્રી મળે છે, અનુકૂળ સંયોગો મળે, કદાચ ગાઢ કર્મના કારણે દુઃખ મળે છતાં દુઃખ સહન કરવાની ધીરતા, સહનશીલતા મળે છે, સુખ મળવા છતાં સુખની તમન્ના, આનંદ, આસક્તિ, તેનું પ્રલોભન, તેમાં ઘમંડ, દુઃખીનો તિરસ્કાર વગેરે આવતા નથી. વળી સુખમાં ગંભીરતા, ઉદારતા વગેરે બધું મળે છે. અવશ્યભાવી મરણ જોવાથી દુઃખી આત્મા પણ સુખી થાય છે, દુઃખને શાંતિથી સહન કરી શકે છે, સમતા જાળવી શકે છે. તેવી જ રીતે મરણને અને મરણના કાર્યને જોવાથી મનમાં વસેલી સુખની મહત્તા, વિષયોની મહત્તા, રસ-ઋદ્ધિસાતાગારવની વૃદ્ધિઓ વગેરે નીકળી જાય છે, તેના પ્રત્યેનું જીવનું અંતર વિરક્ત બને છે, માટે મરણને વારંવાર યાદ કરવું જોઈએ. મરણ જોવાથી ભૌતિક ઉન્નતિ અને ભૌતિક સુખની ઇચ્છા સાહજીક રીતે નિવૃત્ત થાય છે. ભૌતિક સુખની ઇચ્છા વ્યક્ત થાય ત્યારે મરણ આંખ સામેથી જતું રહે છે. મરણને જાણીને તેનાથી આપણે છુટી નથી શકતા, પરંતુ મરણ સુધારવાથી ધીમે ધીમે બીજા મરણો પણ સુધરે છે અને એના કારણે ર-પ-૭ ભવમાં મરણોને સુધારી કાયમી રીતે મરણથી રહિત બનાય છે. દુઃખી માણસ ધર્મભાવના દ્વારા મરણને સમાધિમય બનાવીને સદ્ગતિની પરંપરા પામે છે. દુઃખી માણસ મરણને જોવાથી મરણના દુઃખમાં સમાધિને ઇચ્છતો આ દુઃખને આત્મબળ કેળવીને સમાધિથી સહન કરે છે. સમાધિ ન રહે ને હાયવોય થાય તો પણ સમાધિને મેળવવાની દ્રષ્ટિ હોવાથી સમાધિ તરત યાદ આવે છે અને તેથી પ્રતિક્ષણ મોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે અને સમાધિ સુલભ થાય છે. માટે દુઃખમાં મરણ યાદ કરવાથી સમાધિ સુલભ બને છે. સુખી અવસ્થામાં મરણને યાદ કરનાર સુખમાં અંધ બનતા નથી, સુખમાં મગ્ન બનતા થથી, સુખી અવસ્થામાં વિશેષ ધર્મ બધી રીતે કરાય તે યાદ કરીને સુખને ધર્મની સામગ્રીરૂપ બનાવી બધી જાતના ધર્મ જાતે કરે છે, બીજાને પણ પૈસા દ્વારા, ઐશ્વર્ય દ્વારા, સત્તા દ્વારા, અને શ્રી સંઘને સાધર્મિકભક્તિ, તપ કરાવવા દ્વારા આરાધના કરાવે છે.