________________ જ્યારે કોઈના સ્વમાનનો ભંગ કરવો તે અનુપશાંતપણું છે, માન અને ક્રોધનો પ્રકાર છે. બીજાને માન આપવું તે પણ જાતના અપમાનનો ઉપશમભાવ છે. એ જ રીતે બીજા ગુસ્સે થાય તેમ બોલવું, વર્તવું, અને વિચારવું તે પોતાના ક્રોધનો અનુપશમભાવ છે. એમ બીજાને સાનુકૂળ વર્તવું, યોગ્ય મીઠાશ-સ્નેહ, વાત્સલ્ય વગેરે યુક્ત બની બીજા જોડેનો વ્યવહાર, વર્તન, વાણી, વિચાર ગોઠવવા તે પોતાના ક્રોધ કષાયના ઉપશમનું સ્વરૂપ છે. આ જ રીતે માયા, લોભ, હાસ્યાદિ અને કામ વગેરેના ઉપશમ બાહ્ય રીતે કરવા અને આત્યંતર રીતે પણ મનને ભાવનાઓથી કેળવતા જવું. મોહનીયના બાહ્ય ઉપશમથી આંતરિક મોહનીય વિશેષ તીવ્ર બનતા નથી. તેથી પુણ્યબંધ, શાતા, સમૃદ્ધિ અને દેવ-મનુષ્ય ભવરૂપ સદ્ગતિ મળે છે અને આંતર ઉપશમ એ ધર્મ છે અને એ વધતા વધતા ક્ષાયિક ઉપશમને પ્રાપ્ત કરાવે છે. સ્પ્રીંગ દાબી રાખવાથી વધારે ઉછળે છે તેવા દ્રષ્ટાંત આપીને બાહ્ય ઉપશમ અને એના કારણોની પ્રવૃત્તિને વખોડવી તે વ્યાજબી અને વાસ્તવિક નથી. દાબેલી સ્પ્રીંગ ઉછળે તો પણ તે સ્વાભાવિકપણે જેટલી પહોળી હોય છે તેથી વધારે પહોળી થતી નથી. પરંતુ સ્પ્રીંગને ખેંચીને પહોળી કરવામાં આવે તો તે સ્વાભાવિક કરતા વધારે પહોળી થાય છે. તેવી જ રીતે કષાયો-વિષયોને દબાવનાર ક્યારેક સત્વહીનતા વગેરેના કારણે કષાય પરવશ કે વિષય પરવશ બને તો પણ તે લંપટ અને નિરંકુશ જેવા નથી બનતા, અમુક મર્યાદામાં પ્રવર્તે છે. જ્યારે જેઓ અંકુશને ઇચ્છતા જ નથી તેઓ બાહ્યથી સામગ્રી અનુસાર પહોળા થાય છે પરંતુ આંતરિક રીતે એમની તૃષ્ણા, આશંસા અપરિમિત બની જાય છે. માટે પ્રભુશાસન જણાવે છે કે મનને કેળવવાનું પછી રાખો-પહેલા બાહ્ય ત્યાગથી મારણ કરો, પછી શાસ્ત્ર અભ્યાસ અને ભાવનાથી મનનું વારણ કરો. પછી આત્મભાવમાં મનને ધારણ કરો, જેથી સ્વાભાવિકપણે મન વિષયકષાયરહિત બને. માટે શમ એટલે i) મોહનીયની બધી પ્રકૃતિઓના ઉત્તેજક નિમિત્તોથી દૂર રહેવું. તેના માટે મોટા નિમિત્તોથી દૂર રહેવું અને નાના નિમિત્તોથી સાવધ રહેવું. ii) શાસ્ત્ર અધ્યયન દ્વારા એટલે કે ઉપમિતિભવપ્રપંચા કથા જેવા શાસ્ત્રો કે જેમાં મોહનીયની બધી પ્રકૃતિના નાના મોટા બધા જ રૂપકો બતાવેલ છે તેનું એક ઉપયોગી શાસ્ત્રરૂપે અધ્યયન કરવું અને તેની વારંવાર વિચારણાથી આત્માને ભાવિત બનાવવો. સાથે વિષયો-કષાયોથી મનને પાછું વાળતા રહેવું.