________________ // प्रत्यहं प्रत्यवेक्षेत नरः चरितमात्मनः // આ જગતમાં જન્મ જોડે મરણ સંકળાયેલ છે તેથી મરણ તો બધાનું થવાનું. મરણ કઈ અવસ્થામાં ને ક્યારે થશે તે જાણી શકાતું નથી. મરણ વખતની અવસ્થા સામાન્યથી જાણી શકાતી નથી. કેટલાક બેભાન અવસ્થામાં જાય છે, કેટલાક છેલ્લા શ્વાસ સુધી શુદ્ધિમાં રહી શકે છે. કેટલાક ઘણી પીડા અનુભવીને જાય છે, તો કેટલાક અલ્પ પીડામાં જાય છે, કેટલાક સમતાપૂર્વક જાય છે, કેટલાક ઘણી વિહ્વળતાથી મૃત્યુ પામે છે. આ બધું કર્મને આધીન છે. આ કર્મ બહુધા જીવન આધીન છે. જે આત્માનું જીવન શાંત, વૈરાગી, સરળ હોય તે આત્મા ઘણા કર્મ ખપાવી અલ્પ કર્મ બાંધે, તેથી તેને અંત વખતે શાંતિ મળે છે. જેનો સ્વભાવ ઉકળાટવાળો, ઉતાવળીઓ હોય તે ધર્મી ગણાવા છતાં, આરાધનાની ઘણી મહેનત કરવા છતાં ઉશ્કેરાટ અને ઉતાવળીયાપણાના કારણે ઉંચા સ્થાનને નથી પામતા અને ઉંચી સમાધિ પણ નથી પામતા. જીવોની મરણની પરિસ્થિતિ જોઈને આપણે દુઃખી થવું ન જોઈએ, કારણ સર્વ સંસારી જીવો માટે આ એક પરાધીન અવસ્થા છે. પરંતુ તે મરણ બગડવાના અને સુધારવાના જે જે કારણો છે તે આપણે બરાબર સમજવા જોઈએ અને જીંદગીમાં સર્વત્ર મરણ બગડવાના કારણો છોડતા આવવું જોઈએ. મરણ સુધારવાના કારણો પ્રત્યેક ક્ષણે આચરતા રહેવા જોઈએ તો તે સ્વભાવ સુધરવાના કારણે આપણું મરણ સુધરે. જેમ શસ્ત્રને યોગ્ય રીતે વાપરતાં આવડે તો રંક કે રાજા બન્નેને લાભ કરે, અયોગ્ય રીતે વાપરે તો નુકસાન કરે. ભારે ખોરાક આરોગ્યવાળાને શક્તિ આપનાર થાય છે અને રોગીને તે જ ખોરાક રોગ વધારનાર થાય છે તેથી જેવી રીતે યોગ્ય જીવનચર્યા એ સુખી થવાનો ઉપાય છે, તે રીતે યોગ્ય જીવનચર્યા તે મરણ સુધારવાનો ઉપાય છે, સમાધિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. યોગ્ય જીવનચર્યા ત્રણ વિભાગમાં ગોઠવાય - (1) જાતના જીવનવ્યવહારો અને માનસિક વિચારણાઓ.