________________ पश्य भङ्गुरमिदं विषयसुखसौहृदम् // સાર રસિક જીવ એટલે અનુકૂળ પર્યાયોમાં સુખી અને પ્રતિકૂળ પર્યાયોમાં દુઃખી બનનાર... એનું જીવન રાગદ્વેષ પર્યાયોથી, રુચિ-અરુચિથી તથા આર્તરૌદ્ર ધ્યાનની વિહ્મલતાથી વ્યાપ્ત હોય છે. ઈષ્ટજનનો સંયોગ, વિષયસુખ, સંપત્તિ આદિની પ્રાપ્તિ, આરોગ્ય વગેરે અવસ્થાઓમાં જીવને હુંફ, આનંદ, સુખના કારણની બુદ્ધિ હોય છે. તેથી તે તે અવસ્થામાં માનસિક આસક્તિવાળો હોય છે. આવી વસ્તુ પ્રાપ્ત થવાની પૂર્વભૂમિકામાં પણ પ્રસન્ન બને છે. અને તેનો વિયોગ, નાશ અથવા તેની શક્યતા જીવને અસ્વસ્થ બનાવે છે. ઈષ્ટજન એટલે મનગમતી વ્યક્તિ. તેનો સંયોગ થાય એથી જીવ આનંદિત, પરંતુ આ સંયોગ અનિત્ય હોવાથી, એ પહેલા પરલોક જાય, સ્થાનાંતરે જાય અથવા આપણે પરલોક જવું પડે ત્યારે વિશેષ આર્તધ્યાન અને હૃદયમાં દુઃખ થાય. પરંતુ પહેલેથી જ આ સંયોગ અવશ્ય મોડા વહેલા છુટવાનો છે, છોડવાનો છે એ રીતે વારંવાર ચિત્તમાં ભાવિત કરીએ તો જીવની તેના પ્રત્યેની માનસિક આસક્તિ તૂટતી જાય. તેથી સંયોગના કાળમાં પણ વિશેષ રાગ વગર સ્વસ્થ રહે છે અને વિયોગ કાળમાં પણ વૈરાગ્ય તીવ્ર બને છે. તે જ રીતે ક્યારેક સામી વ્યક્તિનું વલણ બદલાય અને આપણને ઈષ્ટને બદલે વિરોધી તરીકે જુએ ત્યારે પણ આપણે ઈષ્ટપણાની અનિત્ય ભાવનાથી ભાવિત હોવાથી સામાની અરુચિ પર અકળાતા નથી. એ રીતે પ્રત્યેક સંયોગ નાશવંત હોવાથી જીવ જો અનિત્યપણાનું ભાવન કરે તો તે સંયોગ પ્રત્યેની મમતાને ઘટાડનાર થાય છે. એ રીતે બાહ્ય ઋદ્ધિ અને સંપદાઓ ક્યારેય કોઇની થઈ નથી અને થવાની નથી. વળી ક્યારે પણ નિત્ય-શાશ્વત બની નથી એવું વિચારી આસક્તિ ઘટાડે. ઔદયિક ભાવની અવસ્થાઓ અને ક્ષયોપશમ ભાવની અવસ્થાઓ બધી જ નાશવંત છે, એમ સમજીને જીવ સદા એનો સદુપયોગ કરતો રહે, અશક્ય સ્થાનમાં ઉપેક્ષા-ઉદાસીનપણું રાખતો રહે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે અનિત્યભાવનાથી જીવ ભાવિત બને.