________________ છતાં વિશિષ્ટ નિર્જરા અને વિશિષ્ટ ગુણ પ્રાદુર્ભાવ કરાવનાર નથી, કારણ કે તપ શુદ્ધ નથી, વિશિષ્ટ જ્ઞાનથી યુક્ત નથી. તપથી થતી નિર્જરામાં જ્ઞાનને મુખ્ય કારણ બતાવ્યું છે, તેમાં જ્ઞાનનું શુદ્ધપણું એ મહત્ત્વનું છે. જેમ જ્ઞાન વગરનો તપ વિશેષ નિર્જરા કરતો નથી, તેમ અશુદ્ધ જ્ઞાન પણ વિશિષ્ટ નિર્જરાનું કારણ બનતું નથી. બાહ્ય-અભ્યતર તપથી બાળજીવોને કર્મહાસ થાય છે અને કાંઇક શુદ્ધ અને વિશેષ પુણ્ય મળે છે. તપની શ્રદ્ધાથી પરમાત્મા ઉપર શ્રદ્ધા અને તપના લાભના અનુભવથી પરમાત્માની આજ્ઞાના પાલનમાં લાભની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને તે શ્રદ્ધા વિશેષ પુણ્ય અને પરમાત્મા જેવી વિશિષ્ટ પુણ્યપુરુષની પ્રાપ્તિ કરાવે છે. જેનાથી શુદ્ધિ યુક્ત જ્ઞાન પ્રગટ થતા વિશિષ્ટ નિર્જરાનું કાર્ય તરત થાય છે. માટે શુદ્ધ જ્ઞાનની શક્તિ-સામગ્રીવાળાએ શુદ્ધ જ્ઞાનપૂર્વક તપ-ત્યાગ-સંયમ વગેરે ગુણોની સાધના કરવી, અને જ્ઞાન વગરના કે જ્ઞાનની શુદ્ધિ વિનાનાએ પણ પ્રભુભક્તિ-શાસનપ્રભાવના-સંજ્ઞાજય, કર્મહાસ - ગુણઅભ્યાસ વગેરે લક્ષથી પણ તપ અને સંયમ પાળવા. તેનાથી શુદ્ધિ અને જ્ઞાન કાળક્રમે મળે છે અને સર્વ નિર્જરા પામે છે. માટે પહેલા બતાવેલ તપનું સ્વરૂપ વાસ્તવિક હોવા છતાં તે ભૂમિકા સુધી ન પહોંચનાર પણ વર્તમાનકાલીન તપ વગેરે અલ્પ નિર્જરા દ્વારા પ્રધાન નિર્જરા અને મોક્ષનું અંગ બને છે. માટે બાહ્ય તપ અને તપસ્વીની કોઈએ ક્યારે પણ નિંદા ન કરવી. બાહ્ય તપ એ પણ મોક્ષમાર્ગ છે, જેમ શીવરાજર્ષિ અજીર્ણના કારણે તપ ઉપર ચડ્યા, પછી ધ્યાન ઉપર ચડ્યા, પછી વિર્ભાગજ્ઞાન થયું, અને પરમાત્મા મહાવીરદેવ મળ્યા અને સંયમ પામી મોક્ષે ગયા. તેથી તપ-ત્યાગ અને બાહ્ય સંયમ એ પણ આંતર ગુણોના કારણરૂપ છે. માટે એમાં પ્રયત્ન કરવો.