________________ તપ આત્મશક્તિઓનું સમ્યક્ ઉત્થાન અને ચિત્તવૃત્તિનો વિરોધ કરનાર છે. ચિત્તની જે વૃત્તિઓ કષાય-નોકષાય-ચાંચલ્ય-માનપાન-એશઆરામ-ઋદ્ધિ-વૃદ્ધિગારવો વગેરેથી તથા મનમાં ઉઠતા તરંગો-અનુકૂળતાના ખેંચાણથી દૂષિત થાય છે અને તેનાથી સંસારી જીવોને જે જે ઇચ્છાઓ જન્મે છે, તેનો નિરોધ થાય છે. શુદ્ધ જ્ઞાનયુક્ત તપથી આત્મામાં એક વિશિષ્ટ પ્રસન્નતાની અનુભૂતિની શક્તિ ઉત્પન્ન થાય છે, જેના કારણે અશુભ ચિત્તવૃત્તિઓ રોકાય છે. જીવ સહેજે મનને રોકી શકે છે. બહુધા મનમાં વૃત્તિઓ-ઇચ્છાઓ જન્મતી જ નથી. મનની જે અનેક પ્રકારની કાષાયિક-વૈષયિક અને પરચુરણ ચંચલવૃત્તિ છે તે રોકવાની શક્તિ શુદ્ધજ્ઞાનયુક્ત બાર પ્રકારના તપની પ્રવૃત્તિથી ઉત્પન્ન થાય છે. આ આત્મશક્તિનું ઉત્થાન એ તપનું વાસ્તવિક આંતરિક કાર્ય છે અને ચિત્તવૃત્તિ નિરોધ એ બાહ્ય કાર્ય છે. (1) તિતિક્ષા એટલે પ્રસન્નતા અને સમતાપૂર્વક સહન કરવું, (2) બ્રહ્મચર્યઆત્મભાવના અને (3) ગુપ્તિ; આ બધા આંતરિક ગુણોનું સ્થાન શુદ્ધજ્ઞાનયુક્ત બાર પ્રકારનો તપ છે. માટે તપનું લક્ષણ ભૂખ સહન કરવી કે કૃશપણું નથી, પરંતુ ઉપરોક્ત તિતિક્ષા-બ્રહ્મ અને ગુમિ છે. ચન્દન જેમ ગંધ સાથે એકમેક હોય છે, તેવી રીતે શુદ્ધજ્ઞાનથી એકમેક થયેલ બારે પ્રકારનો તપ એ આત્માને વિશિષ્ટ નિર્જરા કરાવે છે. આ ભૂમિકાએ ન પહોંચેલા જીવો પણ જો પ્રભુ ઉપરની ભક્તિથી અને શાસન પ્રભાવનાની ઇચ્છાથી તપ કરે તો એ તપસ્વી ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે અને પછી કાળક્રમે તેને વિશિષ્ટ શુદ્ધ તપ પ્રાપ્ત થાય છે. અને સ્પૃહારહિત શુદ્ધ તપ કરીને શીઘ કર્મોથી છૂટીને મોક્ષ પામે છે. જે જીવ કર્મને તપાવનાર જ્ઞાનરૂપી તપને નથી જાણતો તે તપના મર્મને નહિ જાણનાર જડ બુદ્ધિવાળો અત્યંત નિર્જરા શી રીતે પ્રાપ્ત કરે ? અર્થાત્ વિપુલ નિર્જરા પ્રાપ્ત ન જ કરે. અજ્ઞાની કરોડો ભવોના તપથી જે કર્મ ખપાવે છે તે કર્મ જ્ઞાનરૂપી તપવાળોજ્ઞાનયુક્ત તપવાળો ક્ષણવારમાં ખપાવે છે. માટે જ્ઞાનયોગ એ શુદ્ધ તપ છે, એમ મુનિપુંગવો કહે છે. જ્ઞાનયોગથી નિકાચિત કર્મ પણ ક્ષય પામે છે. માટે જ્ઞાનમય તપસ્વી એ શુદ્ધ તપસ્વી છે, અને ભાવ નિર્જરાયુક્ત છે. બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારના તપના બાર પ્રસિદ્ધ ભેદો અને બીજા પણ અવાંતર ભેદો સ્થૂલદ્રષ્ટિથી અભવ્ય જીવોને અને અચરમાવર્તમાં પણ છે.