________________ 4. તરંગવતીનો જન્મ તરંગવતી સાધ્વીજી કહી રહ્યા છે કે ઋષભસેન શેઠ પોતાના કુળવંશમાં દીવો છે. એમનાથી એમનું કુળ એમનો વંશ દીપી રહ્યો છે, પ્રકાશમાન બની ગયો છે. શેઠનું આટલું વર્ણન ગૃહિણી ! એટલા માટે કર્યું કે એ મારા સંસારીપણે પિતા છે; એમની હું કુળબાલિકા, તે પણ શેઠને આઠ પુત્રો પછી જન્મેલી. નાનામાં નાનું સંતાન, સિંહના સ્વપ્નથી માતાના ઉદરમાં આવેલી, એટલે રૂપલાવણ્ય-કાંતિ-સૌંદર્ય અનુપમ કોટિનું સરજાયેલું. મારા જન્મ વખતે ધાવમાતાઓ સેવામાં તૈયાર હતી. એમણે પિતાજીને મારા જન્મની વધાઈ આપી. પિતાજીએ મોટું વધામણી દાન આપ્યું અને નગરમાં વધામણી ઉજવી. દાનથી કેઈ ગરીબોના દુઃખ ફેડ્યાં, સ્નેહી સ્વજનોને ઊંચા જમણ આપ્યા. જિનમંદિરોમાં ભવ્ય ઉત્સવ ઉજવ્યા. એક બાળકીના જન્મમાં આટલો બધો ઠાઠ ? હા, આઠ આઠ દીકરા પર ખોટની દીકરી હતી. વળી રૂપકાન્તિ અલૌકિક હતી, એટલે હરખનો પાર નહોતો; ને પોતે શ્રીમંત માણસ છે શું કામ લાડકી પુત્રીનો જન્મ ન ઊજવે? એમાં પોતે ચુસ્ત અરિહંત-ભક્ત, એટલે સહજ છે કે આવી દુર્લભ પ્રાપ્તિ બદલ અરિહંતદેવનો મહાન ઉપકાર માની પ્રભુભક્તિ-ઉત્સવ ઊજવે જ, અરિહંત-ભક્તને કોઈ ને કોઈ નિમિત્ત મળવું જોઈએ; એટલે એ નિમિત્ત પામી અરિહંત પ્રભુની ભક્તિમાં લાગ્યો જ સમજો. પૂછો, પ્ર.- પુત્રી જન્મ તો એક સાંસારિક બાબત છે, એમાં અરિહંતને લવાય? ઉ.- જરૂર લવાય. સાંસારિક બાબતમાં ઉપકારી તરીકે અરિહંતને મન પર લાવે તો સાંસારિક બાબતમાં રાગના ઝેર ઓછા ચડે છે. ધર્મ અરિહંત પ્રત્યે કૃતજ્ઞતા બજાવવા માટે કરો : ભગવાનનો ધર્મની બાબતમાં જ ઉપકાર છે ? સાંસારિક સુખ-સગવડો મળે એમાં ભગવાનનો ઉપકાર નથી ? જો ઉપકાર હોય તો ઉપકારીને કેમ ભુલાય ? અરિહંતના ઉપકારની કૃતજ્ઞતાની રૂએ અરિહંત ભગવાનને ભજવા જ જોઈએ. ભગવાનને એવા ભજીએ કે એ જોતાં બીજાઓ પણ અરિહંતદેવ પ્રત્યે આકર્ષાય. ઋષભસેન એ કરી રહ્યા છે. પુત્રીનું જન્મ-નિમિત્ત પામીને અરિહંત પ્રત્યેની કૃતજ્ઞતારૂપે ઓચ્છવ મહોત્સવ કરાવી રહ્યા છે. હવે નામ 52 - તરંગવતી