________________ રાજકુમાર મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું અને એમાં પૂર્વ ભવનું ચારિત્ર યાદ આવ્યું એમાં નરકાદિ દુર્ગતિના ભારે કષ્ટ ત્રાસ જાણે હૂબહૂ નજર સામે આવી ગયા. હવે માતા પાસે ચારિત્રની રજા માગે છે. માતા ત્યાં એને ચારિત્રના ભારે કષ્ટ દેખાડે છે, ત્યારે મૃગાપુત્ર કહે છે કે “મા ! મેં નરકમાં જે ત્રાસ અને યાતનાઓ વેઠી છે, એમાં તને શું વર્ણન કરું ? એની આગળ અહીંના ચારિત્રના ભારે પણ કષ્ટ કોઈ વિસાતમાં નથી. એમ છતાં પણ માની લે કે ચારિત્રનાં કષ્ટ ભારે પણ હોય, તો ય જ્યારે ચારિત્રથી અનંત ભવની કેદમાંથી છૂટી જવાય છે, પછી એ ધર્મ કષ્ટ અનિષ્ટ અણગમતા નહિ, ઈષ્ટ જ લાગે છે.” માણસને ધર્મનાં કાર્ય અને પરોપકાર કષ્ટરૂપ ત્યાં સુધી જ લાગે છે કે જ્યાં સુધી એનાથી દુઃખદ અનંતકાળના ભવ કારાગારમાંથી છુટકારો નથી દેખાતો. એને, અલ્પ સમય આવી તુચ્છ વિષયસુખની સ્વાર્થમાયાની રમત મહા ઉત્તમ જિંદગીને બરબાદ કરનારી છતાં, એના પર જ આકર્ષણ રહે છે ! એને ધર્મનાં કષ્ટ કષ્ટરૂપ લાગે છે ને સંસારના કષ્ટ કશા કષ્ટરૂપ લાગતા નથી ! એ આશ્ચર્ય છે. તરંગવતી-પધદેવ ભૂખ્યા તરસ્યા જંગલનો આડો અવળો લાંબો પંથ આનંદભેર કાપી રહ્યા છે; કેમકે નજર સામે મરણાંત કેદમાંથી છુટકારો છે. ત્યાં મહા ભયભરી અટવીમાં ભવિતવ્યતાના યોગે રાત્રિના સમયમાં પણ કોઈ વાઘ-વરુ ભેટતા નથી, ને ભેટે તો કોઈ સાબર હરણિયાં વગેરે ભેટી જાય છે. ચોર કહે છે,- આ મોટું જંગલ છે તેથી બીક તો નથી લાગતી ને? ત્યાં પધદેવ કહે, “અરે ભાઈ ! તમે આવા દયાળુ અને ખૂબજ કાળજીવાળા રખેવાળ સાથે છો, પછી ભય શેનો લાગે ? ઊલટાનું અમને તો એ રાક્ષસી પલ્લીમાંથી બહાર દૂર દૂર લઈ જઈ રહ્યા છો એનો પરમ આનંદ છે ! તમારો બહુ ઉપકાર છે.” ચોર કહે “હું કશો ઉપકાર કરતો નથી, હું તો માત્ર મારું દેવું ચુકાવી રહ્યો છું,' અહીં જોવાની ખૂબી છે કે તરંગવતી એના કહેવાનો ભાવ સમજી રહી છે કે એણે જે પહેલાં પ્રિયને દોરડે બાંધ્યા અને પોતાનો તિરસ્કાર કર્યો એ દુઃખ આપ્યું એ દેવું થયું. હવે કેદમાંથી છોડાવી એ દેવાને ચુકવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં ચોરની નજર સામે હવે યત્કિંચિત ચુકવવાનો પોતાના માથે મહાપાપનો બીજો જ કર્મ ! તારી ગતિ ન્યારી 241