________________ “તું શું કામ અધીરી થાય ? તારા પ્રિયતમે તો તને જીવિત અર્પણ કર્યું છે. હવે શા સારુ ઉતાવળી થઈને અપયશ મળે એવું પગલું ભરવાનો વિચાર કરે છે ? દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધા રાખ કે એમના પ્રભાવે તારી ધારણા સફળ થવાની જ છે. તરંગવતી સાધ્વીજી પોતાની આત્મકથા પેલી શેઠાણી આગળ કહી રહી છે, એમાં એ કહે છે, ગૃહિણી ! દાસીની શિખામણ યથાર્થ હતી કે સાહસ કરવું એમાં ઉત્તમ કુળને અપયશ લાગે, વડીલ ને બીજાઓની દષ્ટિમાં હાંસીપાત્ર બનવું પડે. પોતાના પ્રિયને પણ આ વાત અણગમતી લાગે...વગેરે વગેરે નુક્સાને બતાવેલા તો એનું કથન વાજબી હતું, પરંતુ તમે જાણો છો ને કે સ્ત્રીનો સાહસનો સ્વભાવ હોય છે અને એને વિવેક હોતો નથી કે આનું કેવું સારું-નરસું પરિણામ આવે ?" એટલે, અતિ રાગ મારે : આપઘાતનો વિચાર :| મેં તો દાસીને કહી દીધું કે સારસિકા ! ભલે તું સાહસ ન કરવા કહેતી હોય, પરંતુ સાહસ કર્યા વિના મોટા કાર્યની સિદ્ધિ નથી થતી; અને તું જાણે છે ખરી કે મને આજે દિલમાં પ્રિયતમના સમાગમની ઇચ્છાની કેવી આગ લાગી છે ! આજ હું એના પ્રત્યેના રાગથી એનું દર્શન પણ નહિ મળવાથી અંગે અંગમાં બળું બળું થઈ રહી છું. તારે બધી ડહાપણની વાતો કરવી છે, પરંતુ મારા દિલમાંની આગ તારે જોવી નથી. ભલે ને જ, પણ હું તને કહી દઉં છું કે હમણાં જ મને તું પ્રિયનું દર્શન કરાવ, નહિતર હવે મારે જીવવું મુશ્કેલ છે. જો તું મને પ્રિય પાસે નહિ લઈ જાય, તો તું મને હવે જીવતી નહિ જોઈ શકે. મારે હવે એક જ રસ્તો છે આત્મઘાતનો.” રાગ ઊઠ્યા પછી કાબૂ બહાર : આ ઉપરથી રાગ અતિ થઈ જાય ત્યારે એનો કેવો પ્રત્યાઘાત જીવન ઉપર પડે છે, તે અહીં જોવા મળે છે. એટલા જ માટે જ્ઞાની ભગવંતો જીવનમાં પૌદ્ગલિક રાગ કરતા પહેલાં બહુ વિચાર કરવાનું કહે છે; કેમકે રાગ ઊભો કર્યા પછી કાબૂમાં રહેતો નથી, ને એવાં એવાં ન કરવાનાં કામ ને ન કરવાના સાહસ કરાવે છે, કે પછીથી એમાં પસ્તાવાનો પાર નથી રહેતો. તરંગવતીનો ભારે નિર્ણય : “જો તું મને પ્રિય પાસે નહિ લઈ જાય, તો તારી સમક્ષ મારા પ્રાણ ગયા સમજજે. માટે હવે કાળ વિલંબ ન કર. ભલે અત્યારે પ્રિયના દર્શને જવું કર્મ ! તારી ગતિ ન્યારી 183