________________ તરંગવતી કહે “તો પછી એ સમાગમના વિલંબનું કેમ લખે છે ? જો જોરદાર પ્રીત હોય, તો સમાગમમાં વિલંબનું લખે ?' ઉત્તમ પુરુષ કેવા હોય ? : સારસિકો કહે “અરે ! સ્વામિની મારી ! એ ઉત્તમ પુરુષ છે, ને ઉત્તમ કુળમાં જન્મેલા છે, એટલે ઉત્તમ કુળમર્યાદાને પાળનારા હોય, તેમજ પોતાને મળેલ શાસ્ત્ર-બોધનો ઉપયોગ કરનારા હોય. તેથી પોતે કાંઈ પ્રવૃત્તિ કરવી હોય તે આ બધો વિચાર કરીને કરે, પણ આંધળું સાહસ ન કરે. વગર વિચાર્યું કામ કરનાર, અને કાર્ય સાધક ન હોય એવામાં પ્રવૃત્તિ કરનાર અંતે પસ્તાય છે. એટલે વિચારીને કામ કરનાર અને ચોક્કસ ઉપાયમાં પ્રવૃત્તિ કરનાર આવા ઉત્તમ પુરુષ ચોક્કસ કાર્યસાધક ઉપાય અને સમયની રાહ જુએ. તો એટલા માત્રથી માની લેવાની જરૂર નથી કે એમના પ્રેમમાં મંદતા આવી છે. હું મારી નજરે જોઈને આવી છું કે તારા પરના અથાગ પ્રેમના લીધે તો તારા વિયોગમાં ઝૂરી રહ્યા છે, પરંતુ કુળવંશના નિર્મળ યશને કલંક લાગે એનાથી ડરે છે, તેથી કામના બાણથી અતિ પીડિત છતાં એવાં કલંકના ભયથી સન્માર્ગને છોડતા નથી. આવા ઉત્તમ પુરુષને પ્રિય તરીકે પામીને તું તો મહાન ભાગ્યશાળી બની છે.... ઇત્યાદિ સમજાવટથી તરંગવતી એ વખતે તો સમજી ગઈ, ભોજન કરી લીધું. પણ પછીથી પાછો રાગનો ઉછાળો આવ્યો તે દાસીને કહે, “અલી એ સારસિકા ! જો હું બહુ દુઃખિત છું. હવે મારે પ્રિયના દર્શન વિના રહેવાય એવું નથી. હૈયું સંશયથી બળી રહ્યું છે. માટે તું મને જલદી એમનાં દર્શન કરાવ.” સખીની શાણપણભરી વાત : સખી કહે “બેન ! તારા કુળના પર્વત જેવા ઊંચા યશને ધક્કો ના લગાડ. હમણાં ને હમણાં એનાં દર્શને જવાની વાત એક સાહસ છે. એમ કરવામાં તો બીજાની દૃષ્ટિએ હાંસીપાત્ર થવું પડે. પહેલાં તારા પિતાજી જ હાંસી કરે કે જુઓ અને જેને નપાસ કર્યો, જેના સાથે સગાઈ પણ નથી થઈ, એને આ ગાંડી મળવા દોડી. લોકમાં પણ કુલીન કન્યાનું સગાઈ-સંબંધ વિના પ્રિયને મળવા જવાનું પગલું ગેરવાજબી ગણાય છે, અને તારા પ્રિય પાદેવની દષ્ટિમાં પણ તું આવું કરે એ અનુચિત હોઈ હાંસીપાત્ર લાગે. માટે શું કામ આવા સાહસનો વિચાર કરે છે ? 182 - તરંગવતી