________________ જોઈએ ને ? જ્ઞાની તો જાણે જ છે કે આ સામેવાળાના અજ્ઞાનનું પરિણામ છે. તો પછી જ્ઞાની શા માટે તેની સાથે ગલત વ્યવહાર કરે ? તેની સાથે તમે કેવો વ્યવહાર કરો છો ? તેના દ્વારા તમારી કક્ષા નક્કી થાય છે. સારો વ્યવહાર તમે કરશો તો તમે સજ્જન-જ્ઞાની અને સાચા અર્થમાં ધર્મી. સામેવાળાના ગમે તેવા ખરાબ શબ્દોને પણ તમે સ્વાર્થ વિના સાંભળી શક્યા તો જ તમે સાચા ધર્મી ! તપસ્વી મહાત્મા બાલમુનિના ભૂલ દેખાડતા શબ્દો સાંભળી ન શક્યા તો પરિણામે ચંડકૌશિક સર્પ થવાનો વખત આવ્યો. બહુ મોટી નુકસાનીની ભીતરમાં, તેના મૂળમાં ક્યારેક બહુ નાની ગફલત હોય છે. જો તે સમયે ફક્ત બાલમુનિના તે શબ્દો સાંભળી શક્યા હોત તો શું આ પરિણામ આવત ? તમને પણ જીવનમાં ઘણી વાર આ અનુભવ થતો હશે કે કોઈકે થોડો કટાક્ષ તમારા ઉપર કર્યો, જે હજુ સહ્ય હતો. છતાં તે તમે ન સહ્યો અને સામો કટાક્ષ કર્યો. છેલ્લે બોલાચાલી થઈ ગઈ. સંબંધમાં કટુતા આવી ગઈ. સાવ નાની વાતનું ઘણું વતેસર થઈ ગયું. આવું તમને અનુભવાયું જ હશે. તમને પણ ક્યારેક મનમાં લાગ્યું જ હશે કે આના કરતાં મેં એનો એકાદ કટાક્ષ સહી લીધો હોત તો ઘણું સારું થાત ! જીવનમાં જો સાંભળવાની તૈયારી રાખશો તો જાતને સંભાળી, પરિવારને સાચવી, સહુને સંતોષ આપી બધી રીતે સફળતાને હાંસલ કરી શકશો. પણ, તે માટે કડવું સાંભળવાની તો તૈયારી રાખવી જ પડશે. ટૂંકમાં, આ શિવજી પોલિસી એટલું જ કહે છે કે - “સફળતાના અને સિદ્ધિના સર્વોચ્ચ સોપાનને સર કરવા માટે કટુ વેણને સાંભળવાની તૈયારી રાખવી જ પડશે. કોઈના પણ કડવા-તીખા-તમતમતા શબ્દો સાંભળી શકશો તો અજબ-ગજબનો બાહ્ય-આંતર વિકાસ તમે સાધી શકશો. સાંભળવાનું દુઃખ થોડો સમય જ હોય છે. એ પણ માનસિક દુઃખ જ હોય છે. પણ, તેનાથી પરંપરાએ અનંત કાળના અને આ ભવમાં ય સાચા આનંદરૂપ સુખની પ્રાપ્તિ થઈ શકે છે.” 318