________________ જો તમારા પોતાના હાથે થઈ હોત તો ? તમારા હાથે કપ-રકાબી તૂટ્યા હોત તો તમને ગુસ્સો ન આવત. કારણ કે કપ-રકાબી કરતા તમને તમારી જાત વધુ વહાલી છે. કદાચ બે-ત્રણ વાર કપ-રકાબી તૂટ્યા કે એકની એક ભૂલ બે-ત્રણ વાર થઈ ત્યારે અત્યંત જરૂરી પરિમિત એવા કઠોર શબ્દોથી તેની ભૂલ દેખાડો તો હજુ માની શકાય કે તમે કદાચ રામુની ભૂલને સુધારવા માટે ગુસ્સો કર્યો હતો. પણ એક જ વારની, પહેલી જ વારની, ઘણા વખત પછીની ભૂલમાં તમે તેના ઉપર તૂટી પડો અને એ જ ભૂલ જ્યારે તમારી થાય ત્યારે તમે તે ભૂલને ખૂબ જ હળવાશથી લઈ શકો તે જ બતાવે છે કે રામુ કરતા કપ-રકાબી તમને વધુ વહાલા છે તથા કપ-રકાબી કરતાં તમને તમારી જાત વધુ વહાલી છે. આવા સમયે ગુસ્સો કરતી વખતે ફક્ત એટલું જ ધ્યાનમાં રાખજો કે આ બધું રેકર્ડ થઈ રહ્યું છે. જે જેવું અને જેટલું હું કરી કે બોલી રહ્યો છું તે, તેવું અને તેટલું મારે જ સહેવાનું છે. કર્મસત્તાના આ નિયમમાં અપવાદને અવકાશ નથી. ગુસ્સો કરતી વખતે એટલું ધ્યાનમાં રાખો કે “આવી રીતે આવા જ શબ્દો કોઈ મને સંભળાવે તો મારી હાલત શું થાય ? શું મને પસંદ પડે ?' આવી વિચારસરણી જો | અપનાવશો તો અવશ્ય ક્રોધ ઉપર કાબૂ મેળવી શકશો. સંદેશ સ્પષ્ટ છે. જે આપણે કરીએ છીએ કે બીજાને સંભળાવીએ છીએ તે આપણે જ ભોગવવાનું છે અને સાંભળવાનું છે. જો કોઈને મીઠા શબ્દો સંભળાવ્યા તો તમને પણ મીઠા શબ્દો જ સાંભળવા મળશે. જો આખી દુનિયાને કડવા શબ્દો જ સંભળાવ્યા છે તો તમને પણ કડવા શબ્દો જ સાંભળવા મળશે. મીઠા શબ્દો સાંભળવા મળે તેવી કોઈ શક્યતા નથી. આજે જો કોઈ તમને મીઠા શબ્દો સંભળાવતું હોય તો સમજી રાખજો કે ગયા ભવોમાં તમે મીઠા શબ્દો લોકોને સંભળાવ્યા છે. માટે આ ભવમાં મીઠા શબ્દો કહેનારા તમને મળે છે. જો હવે ભવિષ્યમાં પણ તમારે મીઠા શબ્દો જ સાંભળવા હોય તો મીઠા શબ્દો બોલ્યા વિના તમારે છૂટકો નથી. 192