________________ માણસની વિચિત્ર મનઃસ્થિતિને દર્શાવતી એક વાત બહુ વ્યાપક રીતે જોવા મળશે. કોઈ પણ તગડો માણસ જોવામાં આવે ત્યારે તમારા મનમાં શું વિકલ્પ આવે ? એ જ ને કે “ખાઈ ખાઈને જાડો થઈ ગયો છે.” હવે, કોઈ એકદમ દૂબળો પતલો માણસ જોવામાં આવે તો વિચાર શું આવે ? એ જ ને કે “ઘરવાળા ખાવાનું નહીં આપતા હોય.' બન્ને પ્રસંગોમાં ઊંધું જ વિચારનાર વ્યક્તિ કેવી રીતે સુખી થઈ શકે ? આ બન્ને પ્રસંગોમાં ઊલટસૂલટ કરી પોઝિટીવ એંગલ ન અપનાવી શકાય? મતલબ કે કોઈ તગડો માણસ જોવામાં આવે તો આના ઘરવાળા સારી રીતે આને સાચવતા લાગે છે !' - આ રીતે અને જ્યારે કોઈ પતલો માણસ જોવામાં આવે ત્યારે “કેવો ત્યાગી છે ! કશું જ ખાતો નથી લાગતો' - આ રીતે શું પોઝિટીવ વિચારી ન શકાય ? આજથી નક્કી કરો - ઘટના ગમે તેવી હોય, ઘટનામાં ભાગ ભજવનારાઓનો આશય ભલે ગમે તેવો હોય, પણ મારે તો દરેકે દરેક ઘટનાને, પ્રસંગોને હકારાત્મક વિચારસરણીથી જ મૂલવવા છે. પછી જુઓ ચમત્કાર ! ગુસ્સાની માત્રામાં ધરખમ ઘટાડો નોંધાઈને જ રહેશે. આખરે કોઈ પણ માણસને, ઘટના વગેરેને નેગેટીવ રીતે જોવાથી જ તો ગુસ્સો પેદા થતો હોય છે. બદલો વાળવો હોય તો ચોક્કસ વાળો, પણ, દુઃખી કરનારનો નહીં. સુખી કરનારનો... - સ્ટીવ મેરાબોલી, 177.