________________ સિદ્ધશિલા 49 સિદ્ધશિલા - પ્રામ્ભારા નામની પૃથ્વીને સિદ્ધશિલા કહેવાય છે. તે ચૌદરાજલોકના શિખરે છે. તે સુંદર છે. તે કપૂર કરતા વધુ સુગંધી છે. તે સૂક્ષ્મ અવયવોવાળી હોવાથી કોમળ છે, તે સ્થૂલ અવયવોવાળી ન હોવાથી કર્કશ નથી. તે પવિત્ર છે. તે શ્રેષ્ઠ તેજથી દેદીપ્યમાન છે. તે મનુષ્યક્ષેત્ર જેટલી, એટલે કે 45 લાખ યોજન, લાંબી-પહોળી છે. તે ચત્તા સફેદ છત્ર જેવી છે. તે બધા શુભના ઉદયવાળી (અસ્તિત્વવાળી) છે. તે સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર આવેલી છે. તે વચ્ચે 8 યોજન જાડી છે અને છેડે તીક્ષ્ણ ધાર જેવી છે. સિદ્ધશિલા ઉપર સિદ્ધોની સ્થિતિ - સિદ્ધશિલાની ઉપર એક યોજને લોકનો છેડો છે. તે યોજનનો જે ઉપરનો ચોથો ગાઉ છે તેના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હોય છે. 1 ગાઉ = 2,000 ધનુષ્ય. 1 ગાઉ = 2,000 ધનુષ્ય = 333 2/3 ધનુષ્ય. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના પણ આટલી જ છે, વધુ નહીં. સિદ્ધોનો આકાર - નિર્વાણ સમયના આકારવાળા બીબામાંથી મીણ નીકળી ગયા પછી તેમાં રહેલા આકાશના આકાર જેવો સિદ્ધોના આત્મપ્રદેશોની અવગાહનાનો આકાર હોય છે. સિદ્ધોના જ્ઞાન-દર્શનનો વિષય - ચૌદ રાજલોકમાં રહેલા જીવ, અજીવ વગેરે બધા પદાર્થોના બધા ગુણો અને બધા પર્યાયોને સિદ્ધભગવંતો એકસાથે વિશેષ ઉપયોગરૂપે જાણે છે અને બીજા સમયે સામાન્ય ઉપયોગરૂપે જુવે છે.