________________ 48 સિદ્ધોની લોકાત્તે ગતિના દેષ્ઠત સહિત ચાર હેતુઓ છે, જેમ બાણ પૂર્વેના પ્રયત્નને લીધે ગતિ કરે છે, જેમ બંદૂકમાંથી નીકળતી ગોળી પૂર્વેના પ્રયત્નને લીધે ગતિ કરે છે, જેમ ગોફણમાંથી છૂટેલો પથ્થર પૂર્વેના પ્રયત્નને લીધે ગતિ કરે છે તેમ છેલ્લા બે સમયોમાં કર્મોનો ક્ષય કરવા માટે કરેલા પ્રયત્નને લીધે સિદ્ધ ભગવંતની ગતિ થાય છે. (2) અસંગભાવથી - કર્મોનો સંગ ન હોવાથી જીવની લોકાન્ત ગતિ થાય છે. માટીનો લેપ કરીને પાણીમાં નાખેલ તુંબડાના તે લેપનો સંગ દૂર થવાથી તુંબડાની ગતિ પાણીમાં ઉપર થાય છે. તેમ કર્મો વિના જીવની ગતિ લોકાન્ત તરફ થાય છે. (3) બંધવિમોક્ષથી - સંસારના ગાઢ બંધનમાંથી છૂટવાથી જીવની લોકાત્તે ગતિ થાય છે. એરંડિયાના ફળનું બીજ, શણનું બીજ વગેરેની બંધનના છેદથી ઊર્ધ્વગતિ થાય છે. તેમ બંધનના છેદથી જીવની ઊર્ધ્વગતિ થાય છે. (4) સ્વભાવથી - સ્વભાવથી જીવની લોકાન્ત ગતિ થાય છે. ઢેફાની ગતિ સ્વભાવથી નીચે તરફ થાય છે, પવનની ગતિ સ્વભાવથી તીરછી થાય છે, અગ્નિની ગતિ સ્વભાવથી ઉપર તરફ થાય છે, તેમ જીવની સ્વભાવથી ગતિ ઉપર તરફ થાય છે. સિદ્ધ ભગવંતમાં કર્મજનિત ગૌરવ ન હોવાથી તેઓ નીચે જતા નથી. પ્રેરક એવું કર્મ ન હોવાથી સિદ્ધભગવંતની તીરછી ગતિ થતી નથી. અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી સિદ્ધભગવંતની લોકાન્તથી ઉપર ગતિ થતી નથી. જેમ માછલા વગેરેને ગતિ કરવામાં પાણી સહાયક છે તેમ જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં ધર્માસ્તિકાય સહાયક છે. તે લોકમાં હોય છે. અલોકમાં ધર્માસ્તિકાય હોતું નથી. તેથી જીવની લોકના છેડાની ઉપર અલોકમાં ગતિ થતી નથી.