________________ શ્રીરત્નશેખરસૂરિજી વિરચિત ગુણસ્થાનક્રમારોહ પદાર્થસંગ્રહ શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે “ગુણસ્થાનકમારોહ' નામનો ગ્રન્થ રચ્યો છે. તેની ઉપર તેમણે ટીકા પણ રચી છે. આ મૂળગ્રન્થ અને તેની ટીકા - આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કરાય છે. વિષય - પૂર્વે નહીં મળેલા વિશેષ ગુણો જ્યાં જ્યાં પ્રગટ થાય તેને ગુણસ્થાનક કહેવાય. આવા ગુણસ્થાનકોનું સ્વરૂપ આ ગ્રંથમાં કહેવાશે. મંગળ - ગુણસ્થાનકોના ક્રમે ચઢીને એટલે કે ક્ષપકશ્રેણી માંડીને જેણે મોહને હણ્યો છે એવા જિનેશ્વરપ્રભુને નમસ્કાર થાઓ. પ્રશમરતિમાં ઉમાસ્વાતિવાચકજીએ ક્ષપકશ્રેણિમાં મોહનીયકર્મની પ્રકૃતિઓના ક્ષયનો ક્રમ આ પ્રમાણે કહ્યો છે - ‘પહેલા અનંતાનુબંધી ચાર કષાયોનો ક્ષય કરે. પછી મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરે. પછી સમ્યમૈિથ્યાત્વમોહનીય (મિશ્રમોહનીય)નો ક્ષય કરે. પછી સમ્યક્ત્વમોહનીયનો ક્ષય કરે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયો અને પ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયો - આ આઠ કષાયોનો ક્ષય કરે. પછી નપુંસકવેદનો ક્ષય કરે. 1. આ પુસ્તકમાં કર્મપ્રકૃતિઓ આ રીતે ટૂંકમાં લખી છે. તેમનો વિસ્તાર જાણવા જુઓ પરિશિષ્ટ-૧.