________________ ગ્રંથની છેલ્લી ગાથા પરથી જણાય છે કે આ ગ્રંથના રચયિતા શ્રીભાવદેવસૂરિજી મહારાજ યુગપ્રધાન શ્રીકાલિકાચાર્યજી મહારાજની પરંપરામાં થયેલા હતા. જો કે દેવસૂરિજી મહારાજે પણ એક યતિદિનચર્યા રચી છે, પણ એ વિસ્તૃત છે. તેથી ગ્રંથકારે સંક્ષેપરુચિવાળા જીવો માટે આ નાની અને સંક્ષિપ્ત યતિદિનચર્યાની રચના કરી છે. આ મૂળ ગ્રંથના ભાવાર્થને સમજાવવા શ્રીમતિસાગરસૂરિજી મહારાજે સંસ્કૃતભાષામાં સુંદર અવચૂર્ણિ રચી છે. તેમાં તેમણે મૂળગ્રંથના પદાર્થોને બરાબર સ્પષ્ટ કર્યા છે અને અનેક શાસ્ત્રોના અવતરણો દ્વારા તેમને પુષ્ટ કર્યા છે. સ્થાને સ્થાને કોઠાઓ દ્વારા પણ તેમણે પદાર્થોને સ્પષ્ટ કર્યા છે. અવચૂર્ણિ સહિત આ ગ્રંથના પદાર્થોને સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન મેં આ પુસ્તકમાં કર્યો છે. જરૂર પડે ત્યારે અન્યગ્રંથોના આધારે પણ પદાર્થોને સ્પષ્ટ કર્યા છે. અતિવિસ્તારનું વર્જન કર્યું છે. જરૂર પૂરતું વિવેચન કર્યું છે. આ પુસ્તકમાં જે જે વિષયોનું વર્ણન કર્યું છે તે વિસ્તૃત વિષયાનુક્રમમાંથી જાણી શકાશે. આ પુસ્તકમાં પહેલા યતિદિનચર્યાના પદાર્થોનું સંકલન કર્યું છે અને પછી મૂળગાથા-અવચૂર્ણિનું સંકલન કર્યું છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સાધુની અહોરાત્રની ચર્યાનું સાંગોપાંગ જ્ઞાન થાય છે. તેથી સાધુ આ ગ્રંથમાં કહેલ ક્રમ મુજબ પોતાની દિનચર્યાને ગોઠવી શકે છે. શ્રાવકોને આ પુસ્તકના અભ્યાસ દ્વારા સાધુજીવન પ્રત્યે અહોભાવ પેદા થાય છે અને તેનું જીવન સ્વીકારવાની ઉત્કંઠા પેદા થાય છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા ભવ્યજીવો યતિદિનચર્યાને જાણીને પોતાનું જીવન એ મુજબનું બનાવે અને શીઘ પરમપદને પામે એજ