________________ આઠમી અજાયબી વિશ્વમાં સાત અજાયબીઓ છે. જૈનસાધુ એ વિશ્વની આઠમી અજાયબી છે. અજાયબીઓ આશ્ચર્ય પમાડે છે. તેમ જૈન સાધુનું જીવન પણ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. એક પણ પાપ કર્યા વિના જીવન જીવવું એનું જ નામ જૈનાસાધુજીવન કોઈને પણ અપ્રીતિ, અરુચિ, હેરાન, પીડા કર્યા વિના જીવવું એનું જ નામ જૈન સાધુજીવન. કોઈ પણ પ્રકારના દોષો લગાડ્યા વિના સંપૂર્ણ પવિત્ર જીવન જીવવું એનું જ નામ જૈનસાધુજીવન. આવા જીવનનો દુનિયામાં જોટો મળવો અશકય છે. જીવનભર મન-વચન-કાયાથી નાના-મોટા બધા જીવોની હિંસા, બધા પ્રકારનું જૂઠ, બધા પ્રકારની ચોરી, બધા પ્રકારનો સ્ત્રીભોગ, બધા પ્રકારનો પરિગ્રહ અને રાત્રીભોજન સ્વયં કરવા નહીં, બીજા પાસે કરાવવા નહીં અને કરનારા બીજાની અનુમોદના ન કરવી એ સંક્ષેપમાં જૈન સાધુજીવનની વ્યાખ્યા છે. રસોડું ન હોવા છતાં જેનું પેટ ભરાય છે, ઘર ન હોવા છતાં જેને રહેવાનું સ્થાન મળે છે, વાહનમાં ન બેસવા છતાં જે પગપાળા મુસાફરી કરી શકે છે, પૈસા ન હોવા છતાં જેની જીવન જરૂરિયાતો પૂરી થાય છે, જેઓ પરોપકારમાં પરાયણ છે, તેમનું નામ જૈન સાધુ. જૈન સાધુજીવનની વિસ્તૃત જાણકારી ઓઘનિર્યુક્તિ, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં આપી છે. તેમાં વિસ્તાર ઘણો છે. તેથી સંક્ષેપરુચિવાળા જીવો માટે ઉપકારી એવી સાધુજીવનની 24 કલાકની ચર્યાનું વર્ણન કરવા શ્રીભાવેદેવસૂરિજી મહારાજે “યતિદિનચર્યા નામના ગ્રંથનું સંકલન કર્યું છે. આ મૂળગ્રંથની રચના પ્રાકૃત ભાષામાં થયેલ છે. તેમાં 154 ગાથાઓ છે. તેમાં સાધુની સવારના ઊઠવાથી માંડીને બીજા દિવસના સવારના ઊઠવા સુધીની ચર્યાનું વિગતવાર વર્ણન કરેલ છે.