________________ જગતના વિદ્યમાન ધર્મો 3. હિન્દુ ધર્મ અને શીખ ધર્મ ઉપરાંત બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ ભારતમાં જ જન્મ થયેલો છે. ભારત સિવાયનો કોઈ પણ દેશ આટલી સંખ્યાના વિદ્યમાન ધર્મોનું ઉદ્ભવસ્થાન નથી. ઉપરના મુદ્દા નં. 2 અને ૩માં જણાવેલી હકીકતોથી પણ વધારે ગૌરવપ્રદ હકીકત તો એ છે કે ચીન અને જાપાનના ત્રણ ધર્મો - 1. તાઓ ધર્મ, 2. કફ્યુશિયસ ધર્મ અને 3. શિન્જો ધર્મ - બાદ કરતાં બાકીના આઠ વિદ્યામાન ધર્મોના સંખ્યાબંધ અનુયાયીઓ વર્તમાન ભારતમાં એકસાથે વસે છે. આ બધા ધર્મોની પરંપરાને સરખું રક્ષણ મળી રહે તેવી ભારતના રાજ્યબંધારણમાં જોગવાઈ છે. આના પરથી એ સ્પષ્ટ થશે કે ભારતનું રાજ્ય બિનસાંપ્રદાયિક છે એમ કહેવાનો અર્થ એ નથી કે ભારત સરકારને ધર્મની પડી નથી. ભારતનું રાજયબંધારણ બિનસાંપ્રદાયિક છે એમ કહેવાનો ખરો અર્થ એ છે કે ગાંધીજીએ ઉપદેશેલી સર્વધર્મસમભાવની ભાવનાને અનુસરીને તેમાં સર્વ ધર્મ પ્રત્યે સરખા આદરનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે અને તેથી કોઈ એક ધર્મ પ્રત્યેના ખોટા પક્ષપાતને તેમાં સ્થાન નથી. 3. લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને ધર્મ : ભારતના લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાજયમાં ધર્મનું જે સ્થાન છે તેની સ્પષ્ટતા કરીને ડૉ. રાધાકૃષ્ણને યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન'ના રિપોર્ટમાં ધર્મના શિક્ષણની ખાસ હિમાયત કરી છે. આ રિપોર્ટમાં તેઓ લખે છે કે, “કોમી તંગદિલી માટે ધર્મ પોતે જવાબદાર નથી પણ ધર્મની સાથે જોડી દેવામાં આવતાં અજ્ઞાન અને જડ એવી અસહિષ્ણુતા અને સ્વાર્થભાવના જ આ માટે જવાબદાર છે. સ્વાર્થી માણસો, સ્વાર્થી તકવાદને અનુસરીને પોતાની મેલી મુરાદો બર લાવવા ધર્મનો ઉપયોગ કરે છે.” આ રીતે થયેલા “ધર્મના દુરુપયોગને પરિણામે બિનસાંપ્રદાયિક રાજ્યનો ખ્યાલ સ્વીકારાયો છે. આનો અર્થ એ નથી કે કોઈ પણ વસ્તુ પવિત્ર કે આદરભાવને યોગ્ય નથી. બિનસાંપ્રદાયિક રાજ્ય એમ નથી કહેતું કે આપણી બધી પ્રવૃત્તિઓ અધાર્મિક અને સ્વાર્થસિદ્ધિના અનૈતિક આદર્શની ઉપાસના કરનારી હોય.....આવા સ્વાર્થી અને અધાર્મિક વલણનો અર્થ તો એવો થાય કે આપણે આપણા “સ્વભાવથી જ વિરુદ્ધ જવાની વાત કરીએ છીએ અને આપણો “સ્વધર્મ કે જેમાં આપણી વિશિષ્ટ શક્તિ પ્રગટ થાય છે તેને ત્યજી દેવા તૈયાર થઈએ છીએ. આપણું રાજ્ય કોઈ એક ધર્મને વરેલું નથી એ ખરું હોવા છતાં આપણે એ નહિ ભૂલવું જોઈએ કે ઊંડી ધાર્મિક્તા સુવર્ણના ધાગાની જેમ આપણા સમગ્ર ઇતિહાસ સોંસરવી ચાલી જાય છે.” “આપણા બંધારણના મૂળભૂત સિદ્ધાંતોના અમલ માટે આધ્યાત્મિક તાલીમ જરૂરી છે. આપણા દેશમાં કોઈ રાજયધર્મ નથી. રાજયે કોઈ પણ એક ધર્મ પ્રત્યે પક્ષપાતનું વલણ રાખવું જોઈએ નહિ. ધર્મનાં વિવિધ રૂપોને અહીં સમાન સ્થાન છે. શરત માત્ર એટલી જ છે કે આ રૂપો ભ્રષ્ટ આચરણ પ્રત્યે દોરી જનારાં ન હોવાં જોઈએ.