________________ 138 જગતના વિદ્યમાન ધર્મો નામજપથી - નામની પ્રાપ્તિથી સાધકને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. 35 એનું ચિત્ત નિર્મળ બને છે. એ અનુક્રમે ધરમખંડ (ધર્મખંડ), ગિઆનખંડ (જ્ઞાનખંડ), સચખંડ (શ્રમખંડ અથવા શર્મખંડ), કરમખંડ (કૃપાખંડ અથવા કર્મખંડ)ની ભૂમિકાઓ પસાર કરીને સચખંડમાં (સત્યખંડ, અર્થાત્ પરમગતિ, પરમપદ, સહજાવસ્થા, નિર્વાણ, અમૃતમાં) પ્રવેશે છે. આ ભૂમિકામાં સત્યનો, પરમાત્માનો વાસ છે. આ ખંડમાં સત્યનો પ્રકાશ થતાં ભ્રમ-માત્રનો નાશ થાય છે. સાધક પૂર્ણ સત્ય સાથે અદ્વૈત સાધીને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. અહીં પ્રભુ કૃપાદૃષ્ટિ કરી ભક્તોને નિહાલ કરી દે છે. અહીં સૌ એના - સત્યસ્વરૂપ પરમાત્માના હુકમ અનુસાર પોતપોતાનાં કાર્યો કરે છે. નિર્મળ ભક્ત એ જોઈ જોઈને, વિચારી વિચારીને, ખુશખુશ થઈ જાય છે. પણ એનું વર્ણન કરવું એ તો લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. શીખ ધર્મમાં સદ્ગુરુનું સ્થાન અત્યંત ઊંચું છે, તેથી એ ધર્મ “ગુરુમત' કહેવાય છે. ગુરુનો મહિમા વર્ણવતાં આદિગુરુ નાનક કહે છે : ““મારા ગુરુ ઉપર હું તો દિવસમાં એકસો વાર બલિહારી જાઉં છું, કે જે ગુરુએ મનુષ્યોમાંથી દેવતા બનાવ્યા અને તે પણ તત્કાળ.”૩૭ પણ જો સદ્ગુરુ ન મળે તો કોઈ ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ તરી શકે નહીં. “સેંકડો ચંદ્રો અને હજાર સૂર્યો ઊગે અને એ સૌનો વિપુલ પ્રકાશ ભલેને હોય, પરંતુ ગુરુ વિના તો ઘોર અંધારું.૩૮ ગુરુ એટલે ગુરુનું ભૌતિક શરીર નહિ પણ એ શરીરમાં રહેલી નિર્મળ જ્યોતિ. સદ્દગુરુ દ્વારા - એ જ્યોતિ દ્વારા મન-વાણીને અગમ્ય-અગોચર એવા હરિની પ્રાપ્તિ થાય છે. 39 અને તે પછી દસમા ગુરુ ગોવિંદસિંહે પૂર્વવર્તી ગુરુઓની અપેક્ષાએ પોતાની રચનાઓમાં દેહધારી ગુરુનું મહત્ત્વ બહુ અલ્પ પ્રમાણમાં વર્ણવ્યું છે. તેઓ તો સ્પષ્ટ ઘોષણા કરે છે: “જગતમાં સૌનો ગુરુ એક છે અને તે પરમેશ્વર.”૪૦ ““આદિ અને અંતમાં જે એક અવતાર છે તે સર્વ જગતના સ્રષ્ટા પરમેશ્વર મારા ગુરુ છે એમ જાણો.”** સદ્ગુરુના મહિમાનાં સ્તવનોથી સારા-ખોટા, સદ્ગુરુ અને પાખંડી ગુરુ બંનેને લાભ થતો દેખીતી રીતે જ પાખંડીઓ એમાં ફાવી જતાં. ગુરુ ગોવિંદસિંહે આ સ્થિતિ પારખી લીધી. આને લીધે એમની રચનાઓમાં દેહધારી ગુરુને સ્થાને પરમગુરુ પરમાત્માનું સ્તવન વિશેષ છે અને અંતકાળે મોકો મળતાં એમણે અદ્વિતીય આધ્યાત્મિક સામર્થ્યથી “વાણી ગુરુ હૈ, ગુરુ હૈ વાણી, વિચી વાણી અમૃત સારે.”ઇત્યાદિ પ્રમાણભૂત ગુરુવચનોને આધારે ગુરુનું સ્થાન “આદિગ્રન્થને આપી દીધું. એ વાણીરૂપ ગુરુની જ્યોતિ શ્રદ્ધાધન ગુરુમુખ શીખોને અને અન્ય શ્રેયાર્થીઓને માર્ગદર્શન આપે છે. 5. નૈતિક સિદ્ધાંતો : શીખોના ધર્મરહસ્યનો સરલ સંક્ષેપ આ શબ્દોમાં કરવામાં આવે છે : “કિરત કરના (ધર્મકૃત્ય કરવું), વંડ છકના (વહેંચીને ખાવું), તે નામ જપના (અને નામ જપવું).”