________________ શીખ ધર્મ 137 2. જીવ પરમાત્માના હુકમથી, પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે. જીવમાં પરમાત્માનો વાસ છે, તેથી બ્રહ્મ અને જીવ વચ્ચેનો સંબંધ અત્યંત ગાઢ અને અનિર્વચનીય છે. “ગુરુ ગ્રન્થસાહેબ'માં જીવનું રૂપ આ રીતે દર્શાવ્યું છે : “આ તો અચરજની અનુપમ કથા છે. જીવ તો પરબ્રહ્મની યથાતથ પ્રતિમા છે. એ બાળક નથી અને વૃદ્ધ પણ નથી. એને દુઃખ અને મૃત્યુ નથી, એ તો અનાદિ કાળથી છે. એને શીત-ઉષ્ણ, શત્રુ-મિત્ર અને હર્ષ-શોકનાં દ્વન્દો નથી. એને પાપ-પુણ્યનો લેપ અડે નહિ. એ તો ઘટઘટમાં સદા જાગૃત છે.”૨૪ આમ છતાં જ્યારે અહંકારથી ગ્રસ્ત બને ત્યારે જીવની દુર્દશા થાય છે. ““તું તો મોટી નદી જેવો વિશાળ અને દૂરદર્શી. હું તારો પાર કેમ કરીને પામી શકું? જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં મને તું જ દેખાય છે, પણ જો તારો અહંભાવથી વિયોગ થાય તો હું અચૂક તડપી-તડપીને મરી જાઉં.”૨૫ ગુરુ ગ્રન્થસાહેબ’માં મનુષ્યયોનિને સર્વશ્રેષ્ઠ અને દુર્લભ માની છે. એટલા માટે માનવશરીરને પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય મુક્તિનો પ્રયત્ન કરવો જોઈએ. 27 શીખ ધર્મ પૂર્વજન્મના સંસ્કારોને સ્વીકારે છે. કર્મનાં શુભ-અશુભ રૂપોને માને છે. 28 મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર, પણ એનાં ફળ ભોગવવામાં પરતંત્ર છે એમ પણ માને છે. 29 અશુભ કર્મોનો મળ પરમાત્માના નામથી સાફ થાય છે. 30 જીવ જ્યારે માયામાં બદ્ધ થઈને પોતાના મૂળ સ્વભાવને-બ્રહ્મસાદેશ્યને ભૂલી જાય છે ત્યારે અનેક પ્રકારનાં પુણ્ય-પાપ કરે છે. પરિણામે એને મહાભયંકર ઝેર જેવા દુઃખ વેઠવા પડે છે. મરણ પછી પશુ, પક્ષી, તિર્યંચોની લાખો યોનિઓમાં (લખ ચોરાશીમાં) ભટકવું પડે છે. 31 “જપુજીના આ શ્લોકમાં કર્મ અંગેનું તત્ત્વજ્ઞાન ફુટ થયેલું છે : “પવન ગુરુ છે, પાણી પિતા છે, વિશાળ ધરતી માતા છે, દિવસ અને રાત એ બે દાયણ છે, એમના ખોળે જગત ખેલે છે. જીવોનાં સારાં અને ખોટાં કર્મો ધર્મરાજા સમક્ષ વંચાશે અને પોતાનાં કર્મ અનુસાર આપોઆપ કોઈ પરમાત્માની નજીક જશે અને કોઈ દૂર જશે. જેણે (હરિ-) નામનું ધ્યાન કર્યું તે પ્રયત્ન કરીને પાર ઊતરી ગયા. નાનક કહે છે તેમનાં મુખ ઊજળાં થયાં અને કેટલાય તેમની સાથે મુક્ત થઈ ગયાં.૩૨ મનુષ્યજીવનનું ધ્યેય છે અહંકારરૂપી “દીર્ઘરોગમાંથી મુક્ત થવાનું. દીર્ઘરોગ હોવા છતાં એનો ઉપાય પણ પ્રભુએ એમાં રાખ્યો છે.૩૩ એ ઉપાય એટલે ગુરુના ઉપદેશ અનુસાર આચરણ, નામજપ, નમ્રતા, સત્સંગ, સદ્દગુરુ અને પરમાત્માની કૃપા. “સૌ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ : નામજપ અને નિર્મળ કર્મ, સર્વ ક્રિયાઓમાં ઉત્તમ ક્રિયા : સત્સંગથી દુર્મતિરૂપી મળને દૂર કરવો. સર્વ ઉદ્યમોમાં શ્રેષ્ઠ ઉદ્યમ : ચિત્તમાં નિરંતર હરિનામનો જપ. સકળ વાણીમાં અમૃત જેવી વાણી : હરિયશ સાંભળવો અને મુખથી ગાવો. સઘળાં સ્થાનોમાં ઉત્તમ સ્થાન : જે ઘરમાં હરિનામ સ્થિર થઈને વસે તે”૩૪