________________ બૌદ્ધ ધર્મ 121 શરીર પ્રત્યેના રાગ દૂર થાય છે, અત્યંત સુંદર રૂપ પણ આપણને મોહ પમાડી શકતું નથી અને પરિણામે ચિત્ત કામવિકારોથી અલિપ્ત રહે છે. વૈરાગ્યનું પરિણામ છે ત્યાગ. જેમ જેમ વૈરાગ્ય વધે તેમ તેમ ત્યાગ વધે. ઉપાસકમાં અમુક હદ સુધી જ વૈરાગ્ય સંભવે છે અને તેથી પણ ઘરબાર, જાતિ, સંબંધો, ભોગની ચીજો વગેરેનો ત્યાગ નથી કર્યો હતો. પરંતુ તે દાન કરે છે, કુટિલ રીતે ધનસંપત્તિ મેળવતો નથી, સદાચાર માટે જરૂરી ત્યાગ તે કરે છે. આઠમ, ચૌદશ અને પૂનમના દિવસે તે ગૃહત્યાગી ભિક્ષુ જેવું જીવન જીવે છે. આને ઉપોસથ કહે છે. ભિક્ષુમાં જ સંપૂર્ણ વૈરાગ્ય સંભવે છે. તે ઘરબાર, જાતિ, સંબંધો, ભોગની ચીજો વગેરેનો ત્યાગ કરે છે. સંપૂર્ણ વૈરાગી સંપૂર્ણ ત્યાગી છે અને જે ખરેખર આવો છે તે હંમેશાં-અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પ્રસન્નચિત્ત રહે છે તેને કોઈ પ્રતિ રાગ નથી, તેથી જ તેને કોઈ પ્રતિ દ્વેષ નથી. તે તો સૌનું કલ્યાણ વાંછે છે, ભિક્ષુ બન્યા વિના સંપૂર્ણ વૈરાગ્ય, સંપૂર્ણ ત્યાગ શક્ય ન હોઈ ભગવાન બુદ્ધ અત્યન્ત દુ:ખમુક્તિની પૂર્ણ સાધના માટે પ્રવજ્યા લઈ ભિક્ષુ બનવું જરૂરી માન્યું છે. 8. ઉપસંહાર : બૌદ્ધ ધર્મમાં એવાં વિશિષ્ટ લક્ષણો છે જેને પરિણામે તે અનેક દેશના અને અનેક કાળના લોકોને આકર્ષી શક્યો છે. પ્રથમ તો બુદ્ધ બુદ્ધિની પ્રતિષ્ઠા કરી. તેમણે કોઈ વ્યક્તિને શરણે નહિ પણ યુક્તિને (તર્કને) શરણે, ધર્મને શરણે અને પોતાની જાતને શરણે જવાનું લોકોને કહ્યું, તેમણે ધર્મ અને ગુરૂની બરાબર પરીક્ષા કરવાનો લોકોને ઉપદેશ આપ્યો. આને કારણે બુદ્ધિપ્રધાન અને “નાસ્તિક લોકોને પણ બૌદ્ધધર્મમાં આશ્વાસન અને શાન્તિ મળે છે. બીજું, બૌદ્ધ ધર્મે મનુષ્ય મનુષ્યના ભેદ ભૂંસી નાખ્યા છે અને મનુષ્યમાત્રની સમાનતા પ્રસ્થાપિત કરી છે. તેણે સ્ત્રી-પુરુષની સમાનતાનો ઉદ્ઘોષ કર્યો છે. સ્ત્રીઓને પણ સંપૂર્ણ આધ્યાત્મિક સાધનાનો અધિકાર બક્ષી સંઘપ્રવેશ કરાવ્યો છે. ત્રીજું, બુદ્ધ શીલ અને સદાચાર ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. પરિણામે, તેમના ઉપદેશમાં વ્યાપકતા અને સર્વગ્રાહ્યતા છે. તેમને મન દુઃખમુક્તિ માટે જે જરૂરી ના હોય તેમાં પડવું વ્યર્થ છે. સદાચાર દુ:ખમુક્તિનો ઉપાય છે. પરંતુ વાદવિવાદ દુઃખમુક્તિનો ઉપાય નથી, તેથી તેમણે વિવાદોમાં પડવા કરતાં મૌન રહેવું જ પસંદ કર્યું હતું. ચોથું બૌદ્ધ ધર્મની શિરમોરસમી વિશેષતા તેનો મધ્યમ માર્ગ છે. તે આત્યંતિક દેહદમન અને ભોગવિલાસ બંનેને છોડી વચલો માર્ગ કાઢે છે. નથી શરીરને કષ્ટ આપવાથી ચિત્ત શાન્ત થતું કે નથી ભોગવિલાસમાં રચ્યાપચ્યા રહેવાથી ચિત્ત શાન્ત થતું. પરંતુ શરીરમાં મોહ રાખ્યા વિના તેને જરૂરી પોષણ આપી ચિત્તને શાન્ત કરવા ધ્યાનમાર્ગની સાધના કરવાથી જ ચિત્ત શાન્ત થાય છે. ધ્યાનમાર્ગ યા સમાધિમાર્ગ ચિત્તશાન્તિનો ઉપાય છે. ધ્યાનમાર્ગની પૂર્વશરત સદાચાર, શીલ છે જે શીલસંપન્ન છે તે જ ધ્યાનમાર્ગનો અધિકારી છે. તેથી જ શીલ પછી ચઢતા ક્રમમાં સમાધિને ગણાવવામાં આવી છે.